જન્મદિવસ ગુજરાત - પ્રેમ, સહાનુભૂતિ અને સંવેદનાની સરવાણી એટલે ગુજરાત .. ( કપિલ સતાણી ) - KAPIL SATANI

KAPIL SATANI

KAPIL SATANI BLOG IS THINKING FULL ARTICLES, PUBLISH BOOK, LITERATURE AND EDUCATIONAL INFORMATION

Breaking

Post Top Ad

Thursday, April 30, 2020

જન્મદિવસ ગુજરાત - પ્રેમ, સહાનુભૂતિ અને સંવેદનાની સરવાણી એટલે ગુજરાત .. ( કપિલ સતાણી )

                 પહેલી મે ૧૯૬૦ નાં રોજ ગુજરાતની સ્થાપના રવિશંકર મહારાજે કરી. વર્ષ ૨૦૨૨માં ગુજરાત સંપૂર્ણ રાજ્ય તરીકે અમલમાં આવ્યા પછી બાસઠ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. વર્ષ ૨૦૧૦ માં જ્યારે ગુજરાતે પોતાની સુવર્ણ જયંતિ ઉજવી ત્યારે સારુંય ગુજરાત અને વિશ્વનાં જુદાં જુદાં ખૂણે વસતા ગુજરાતીઓ જોડાયા ! અને ત્યારે ગરવી ગુજરાતના આંખમાં હર્ષનાં આંસુ આવ્યા હશે !


                   બાસઠ વર્ષના સમયગાળામાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી માત્ર ભારતને જ નહિ સમગ્ર વિશ્વને આંજી દીધું છે. આર્થિક ક્ષેત્ર હોય કે ઉર્જાક્ષેત્ર હોય,આરોગ્યક્ષેત્ર હોય કે આધ્યાત્મિક ક્ષેત્ર,શૈક્ષણિક ક્ષેત્ર હોય કે સાહિત્યિક ક્ષેત્ર હોય ગુજરાતે કરી બતાવ્યું છે. વર્ષ ૧૯૬૦ પછી ગુજરાતે વિકાસ કર્યો છે તેમાં નામી-અનામી ગુજરાતીઓએ પોતાનું પ્રદાન કર્યું છે. આઝાદીની પ્રાપ્તિ માટે પણ ગુજરાતીઓએ  મોતની પરવા કર્યા વિના પોતાનો સિંહફાળો આપ્યો છે. મોહનદાસ કરમચંદ ગાંધી નામનો વીરલો આવ્યો અને અહિંસાના મંત્ર પર હિંદુસ્તાનને વર્ષોની ગુલામીની જંજીરમાંથી છોડાવ્યું તો સરદારે દેશી રજવાડાઓનું એકીકરણ કર્યું ! આવા એક નહિ હજારો ગાંધી અને સરદાર ગુજરાતે આપ્યા છે. કદાચ એવું પણ હશે કે અન્યાયો સામેનાં, શોષણ સામેનાં અને સંસ્કૃતિ લોપના ભય સામેનાં પડકારોને કારણે આ ભૂમિમાંથી ગાંધી અને સરદાર પ્રગટ્યા ! ગુજરાતનો ભૂતકાળ ભવ્ય હતો, વર્તમાન વિકાસશીલ છે અને આવનાર ભવિષ્ય પણ વિશ્વને વિકાસની કેડી કંડારી માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રહેશે. ગુજરાતી વિશ્વનાં કોઈપણ ખૂણે રહેતો હોય તો પણ એ પોતાના ગુજરાત પ્રત્યે સંવેદનશીલ અને ભાવનાશીલ હોય જ,માત્ર ભાવનાશીલ જ નહિ પણ વિકાસ માટે સંનિષ્ઠ છે. બાસઠ વર્ષનાં નાજુક સમયમાં ગુજરાતે જે વિકાસ કર્યો છે તે અમૂલ્ય છે.નરસિંહથી દયારામ સુધીનાં સર્જકોએ ગુજરાતને ભક્તિરસથી તરબોળ કર્યું છે, તો કાકાસાહેબ કાલેલકર જેવાં પરપ્રાંતિએ ગુજરાતને પોતાનું બનાવી અસ્મિતા વધારી છે. બચુભાઈ રાવતે ' કુમાર ' સામયિક દ્વારા ગુજરાતનાં કિશોરો-યુવાનોનું ઘડતર કર્યું છે. ગિજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ ,મનુભાઈ પંચોળી જેવાં વ્યક્તિમત્વોએ શિક્ષણમાં ક્રાંતિ કરી છે. જમશેદજી જીજીભાઈ, જમશેદજી તાતા, લઘા દામજી, રણછોડલાલ રેંટિયાવાળાએ વાણિજ્ય ક્ષેત્રને વૈશ્વિક ફલક પર મૂક્યું હતું, આ છે આપણા ગાંધીનું ગુજરાત !!

                      પહેલી મે ૨૦૨૨નું પ્રથમ કિરણ ગરવી ગુજરાત માટે સામર્થ્યશાળી, પ્રેરણાદાયી અને આનંદદાયી બની રહેશે ! હવે સમય પાકી ગયો છે સ્વર્ણિમ સંકલ્પ લેવાનો, ગુજરાત માટે કંઈક કરી છૂટવાનો. ગુજરાતીઓનાં સંકલ્પ ભારત અને વિશ્વને નવો રાહ બતાવશે. એક નાનકડો સંકલ્પ પણ ક્રાંતિનાં મંડાણ કરી શકે છે.આવશ્યકતા છે સંકલ્પ લેવાની અને તેને આત્મસાત કરી મૂર્તિમંત કરવાની. અત્યારે તો આપણે એટલું જ વિચારવાનું કે આપણા એક સંકલ્પથી આખા રાજ્યનું ભલું થતું હોય તો એક સંકલ્પ લેવાની પૂર્ણ તૈયારી હોવી જ જોઈએ, કારણકે હું ગુજરાતી છું અને આમ પણ... આપણા ગુજરાતનાં અલૌકિક વારસાને ટકાવી રાખવા માટે પ્રતિબદ્ધ બનવું જ પડશે, તો જ સચવાશે આપણો વારસો કે જેનું આપણે ગૌરવ લઈ ફરીએ છીએ.ડૉ. મુકુલ ચોકસી કહેતા કે " આપણી પાસે સ્વમાન જ આપણું છે, જો કે જીવવા માટે તો એ પણ કાફી છે. મારે તો આંતરરાષ્ટ્રીય બનવું નથી મારી પાસે મારું ગુજરાતીપણું છે." ચોકસી સાહેબની આ વાત હૃદયનાં ઊંડાણમાં ઉતરી જાય છે.
                   વર્ષ ૨૦૨૨ નાં સ્વર્ણિમ વર્ષમાં પહેલી મે નાં રોજ એટલે કે ગુજરાતના  જન્મ દિવસ નિમિત્તે  સૌ ગુજરાતીઓ સંકલ્પિત થાય એ ખૂબ જ જરૂરી છે. પૂ. રવિશંકર મહારાજના  આદર્શોરૂપી હાથ પકડી,ગાંધી અને સરદારની વિચારધારા આત્મસાત કરી ગુજરાતના વિકાસમાં નિમિત્ત બનીએ. ' હું એક ગુજરાતી નહિ,વિશ્વ આખું ગુજરાત ' આ વાતને વાગોળવી પડશે, ગ્રામરાજયથી રામરાજ્ય નિર્માણ કરવું પડશે. ગાંધીનું ગુજરાત માત્ર સ્વપ્નાંઓ નથી જોતું, સ્વપ્નને સાકાર કરવાનું સામર્થ્ય ધરાવે છે. ' મારું ગુજરાત- આગવું ગુજરાત ' વિકાસશીલ ગુજરાતને હૃદયમાં કંડારી ગુજરાતની ,ગુજરાતીની ભાવનાનો સાક્ષાત્કાર કરીએ.
                વર્ષ ૨૦૨૨ના ગુજરાતને સમર્થ, અસ્મિતાયુક્ત, ગૌરવશાળી અને વિકાસશીલ બનાવીએ એ દિશામાં હકારાત્મક અભિગમ અપનાવી સ્વર્ણિમ ગુજરાતની સંકલ્પના સાકાર કરવા માટે એક નાનકડો પ્રયાસ ગુજરાતને વિકાસની મંજિલ સુધી લઈ જવામાં કામયાબ નીવડશે જ ! ચાલો આઝાદીનાં અમૃત મહોત્સવ પ્રસંગે સાથે મળી ગુજરાત માટે કટિબદ્ધ, સંનિષ્ઠ થઈ પહેલી મે ૨૦૨૨ ના સુવર્ણ ટાણે થોડું ચિંતન કરી ગુજરાતનું ગૌરવ કરીએ.

                           હેપી બર્થડે ગુજરાત 
                                                      - કપિલ સતાણી 

◆રન આઉટ
કોઈપણ દેશની તાકાત નાના વિચારો ધરાવતાં મોટા માણસો દ્વારા નથી વધતી પરંતુ મોટા વિચારો ધરાવતા નાના માણસો દ્વારા વધે છે.
                                                        - સ્વામી રામતીર્થ


No comments:

Post a Comment

THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI

Post Top Ad