(નોવેલ કોરોના વાઈરસ- COVID-19 ) ડરવાની નહીં, લડવાની જરૂર છે. -કપિલ સતાણી - KAPIL SATANI

KAPIL SATANI

KAPIL SATANI BLOG IS THINKING FULL ARTICLES, PUBLISH BOOK, LITERATURE AND EDUCATIONAL INFORMATION

Breaking

Post Top Ad

Ads

Sunday, March 29, 2020

(નોવેલ કોરોના વાઈરસ- COVID-19 ) ડરવાની નહીં, લડવાની જરૂર છે. -કપિલ સતાણી

                
કોરોનાથી ના ડરીએ, ભારતમાંથી ભગાવીએ,
શાંતિ-સંયમ રાખીએ, ઘરમાં સુરક્ષિત રહીએ.
       
          
          ચીનના વૃહાન શહેરમાંથી જન્મ થયેલા નોવેલ કોરોના વાઈરસે દુનિયાનાં ૧૯૮  થી વધુ દેશોને પોતાનાં ભરડામાં લીધા છે.વૃહાન શહેરમાં આવેલ વાઈરસ સમયે આપણને આ વાઈરસની કદાચ ગંભીરતા નહીં હોય, પરંતુ જે રીતે ચીનને ઝપેટમાં લીધું અને સમગ્ર દુનિયા તેમજ WHO હાઈ પાવર એક્શન મોડમાં આવ્યું ! ત્યારપછી આપ સૌ જાણો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે-બે વખત દેશવાસીઓ સાથે સંવાદ કરવાની જરૂર પડી ! પ્રથમ રાજ્ય અને ત્યારબાદ સમગ્ર દેશમાં લોકડાઉન કરવાની આવશ્યકતા ઉભી થઈ. માત્ર લોકડાઉનથી જ આ લડાઈ જીતી શકાય તેમ નથી, સાવધાની-સાવચેતી  પણ તેટલી જ જરૂરી છે. વોટ્સએપ અને ફેસબુકમાં " ઘરે રહો, સુરક્ષિત રહો " નાં મેસેજ મૂકીને સોસાયટીનાં નાકે ગપ્પા મારવાથી કોરોના સામેનો જંગ જીતી શકાય તેમ નથી !કોરોના વાઈરસ ભયંકર-ભયજનક વૈશ્વિક મહામારી હોઈ માત્ર સરકારની જ જવાબદારી ન ગણાય, દરેક દેશવાસીઓએ સરકારની-વહીવટી તંત્રની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવું ખૂબ જ અનિવાર્ય છે.
                          સમગ્ર વિશ્વમાં અનેક NGO ,સમાચાર સંસ્થાઓ અને સરકારી તંત્ર દ્વારા નોવેલ કોરોના વાઈરસથી બચવાના મહત્વપૂર્ણ ઉપાયોનો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે. તાજેતરમાં જ WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) અને FIFA (ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ) નાં સંયુક્ત જોડાણ હેઠળ કોરોના વાઈરસને દૂર કરવા માટે " પાસ ધ મેસેજ " અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્યની સુરક્ષા હેતુસર પાંચ ચાવીરૂપ પગલાંની વાત કરવામાં આવી છે. જેમાં હાથ ધોવા, ખાંસી વખતે શિષ્ટાચાર દર્શાવવો, ચહેરાને  સ્પર્શ ન કરવો, શારીરિક અંતર રાખવું અને અસ્વસ્થતા અનુભવાય તો ઘેર રહેવું જેવી પાયારૂપ બાબતોનો વ્યાપક પ્રચાર થઈ રહ્યો છે. એકવીસ દિવસનું 'લોકડાઉન ' એ કોઈપણ સરકાર માટે ચિંતાનો વિષય ગણાય પરંતુ કોરોના વાઈરસ (COVID-19 ) સામે લડત આપવા આ પગલું ખૂબ જ જવાબદારીભર્યું અને સમજણપૂર્વક ગણાય . આવા પગલાં ભરવામાં થોડીક પણ બેદરકારી રાખવામાં આવે તો ઈટલી જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં સમય ન લાગે !
                            ઘેર રહેવું કેમ જરૂરી બની રહે તેનો વિચાર પણ મનમાં આવવો જ જોઈએ. ડૉક્ટર, પોલીસ, આર્મીના જવાનો અને પત્રકારો  પોતાનાં પરિજનોની પરવા કર્યા વિના આ ભયજનક પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે દિવસ-રાત જોયા વિના ઝઝૂમી રહ્યા છે. ડૉક્ટર, પોલીસ, આર્મીના જવાનો અને પત્રકારોને પણ પોતાનો પરિવાર છે છતાં પણ રાષ્ટ્રહિતમાં પોતાની ફરજો બજાવી રહ્યા છે તો બીજી તરફ સરકાર પણ યથાયોગ્ય ઇમરજન્સી સેવાઓ માટે પગલાં ભરી રહી છે. ' લોકડાઉન ' ના સમયગાળામાં આપણે પોલીસનું મોરલ  ' ડાઉન' કરી રહ્યા છીએ.પોલીસને ડંડા મારવાનો શોખ નથી પરંતુ આપણે જાતે જ એવી પરિસ્થિતિનું નિર્માણ કરીએ છીએ કે પોલીસ મજબૂર બને. ' મને કંઈ જ નહીં થાય ' એવું વિચારવું એ પણ મૂર્ખામીભર્યું છે. કોરોના વાઈરસ માણસથી માણસને ફેલાતો રોગ છે અને આ સાંકળ પણ ખૂબ જ મોટી છે. સંક્રમિત વ્યક્તિને પણ તાત્કાલિક અસરથી ખ્યાલ નથી હોતો કે  ' હું કોરોના પીડિત છું. ' આ લખાઈ છે ત્યાં સુધી કોઈપણ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો COVID-19 ની સારવાર માટે સલામત અને અસરકારક હોઈ તેવું ધ્યાનમાં નથી.
                     આપણો , આપણા પરિવારનો આપણા રાષ્ટ્રનો વિચાર કરવો જ પડશે. વર્તમાન સમયે ઉમદા અને હકારાત્મક અભિગમ સ્વીકારવો પડશે. આ સમસ્યા કોઈપણ એકલ-દોકલ વ્યક્તિની નથી પણ સમગ્ર રાષ્ટ્રની છે. હાલ  કટોકટીનો સમય હોઈ જ્યાં ત્યાં ટોળાંશાહી કરવી વ્યાજબી નથી.( હા ,જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જરૂરી હોય લાવવી પડે તેવાં સંજોગોમાં બહાર નીકળતી વખતે અનેક પ્રકારની સજ્જતા કેળવવી જોઈએ) શક્ય તેટલો અન્ય વ્યક્તિથી શારીરિક સંપર્ક ટાળવા પ્રયત્ન કરવો. એકવીસ દિવસનાં ' લોકડાઉન' માં કોરોના વાઈરસના સંક્રમણની સાંકળ તોડવી હશે તો ઘેર જ રહેવું પડશે અને તેનાથી બચવાના ઉપાયો અખત્યાર કરવા જોઈએ.કદાચ આ એકવીસ દિવસ આપણા ધંધા-રોજગાર બંધ રહેશે, આખી જિંદગી નહીં, પણ જરા સરખી બેદરકારી રાખીશું તો જિંદગી ગુમાવવાનો વખત આવશે.(સાવ સામાન્ય સ્થિતિ ધરાવતા પરિવારો-કામદારો  માટે એકવીસ દિવસ એકવીસ વર્ષ જેવાં હોય છે તે પણ  સત્ય વાસ્તવિકતા છે. ભારતમાં ટંકનું લાવી ટંક ખાવાવાળા લોકો પ્રત્યે સહાનુભૂતિ રાખી તેમને પણ મદદ કરી ટકાવી રાખવા સરકાર, સેવાભાવી સંસ્થાઓ અને ઉદ્યોગકારોએ પહેલ કરવાની જરૂર છે.)
             નોવેલ કોરોના વાઈરસ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને એટલે આપણે પણ ગંભીર બનવું પડશે. આપણી વસ્તી ગીચતા પણ એક મોટો પડકાર છે.સરકારે શક્ય તેટલાં પગલાંઓ લઈ તેની જવાબદારી નિભાવી રહી છે, હવે આપણે વિચારવાનું છે કે " મારે શું કરવું ? " આ આપણી અને આપણાં દેશની અસ્તિત્વની લડાઈ છે, આ લડાઈમાં આપણે જીતવું છે, જીતીને રહીશું .ચાલો ઘેર રહી મોબાઈલનાં કોન્ટેક્ટ લિસ્ટમાંથી દરરોજ દસ સગા-સંબંધી, મિત્રોને   ફોન કરીને કહીએ ' ઘેર રહો, સુરક્ષિત રહો ' અને તેનાં બચવાના ઉપાયો વિશે વાત કરીએ.તે દસ વ્યક્તિ પણ બીજા દસ વ્યક્તિને ફોન કરે તો આ  વિચારરૂપી સાંકળ દેશનાં લાખો લોકો સુધી પહોંચશે, અને આ વિચારરૂપી સાંકળ કોરોના વાઈરસ સામે લડવા મહત્વપૂર્ણ સાબિત થશે, અને આ  પણ રાષ્ટ્રસેવા જ છે ! ! ચાલો સૌ ઘેર રહીને સાવચેતીપૂર્વક સાવધાની કેળવી કોરોનાને માત આપી રાષ્ટ્ર સામેની લડાઈ જીતીએ.     
કોરોના વાઈરસથી બચવાના ઉપાયો જાણવા અહીં ક્લિક કરો

No comments:

Post a Comment

THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI

Post Top Ad