ચાલો માતૃભાષાની માવજત કરીએ. - કપિલ સતાણી - KAPIL SATANI

KAPIL SATANI

KAPIL SATANI BLOG IS THINKING FULL ARTICLES, PUBLISH BOOK, LITERATURE AND EDUCATIONAL INFORMATION

Breaking

Post Top Ad

Ads

Friday, February 21, 2020

ચાલો માતૃભાષાની માવજત કરીએ. - કપિલ સતાણી


સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.
               -ઉમાશંકર જોષી
                    તાજેતરમાં જ ગુજરાત સરકારના  રમતગમત,યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ પૂર્વે  ગુજરાતી ભાષાનાં  વ્યાપ અને પ્રચાર-પ્રસાર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો જે સૌ કોઈ ગુજરાતી માટે ગર્વની વાત ગણાય. હવે સાર્વજનિક અને જાહેર સ્થળો તેમજ ખાનગી પરિસરો પર અન્ય ભાષાની સાથે ગુજરાતી ભાષામાં પણ  બોર્ડ-લખાણો જોવા મળશે. હાલ તો આ નિર્ણય આઠ મહાનગર પૂરતો લેવાયો છે  છતાં પણ અભિનંદનીય તો ગણાશે જ...!
                  આજે આપણે  વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરીશું.વિશ્વની તમામ ભાષાઓ વંદનીય અને આદરણીય છે,પણ આજે મારે મારી માતૃભાષા ગુજરાતીની વાત કરવી છે.આજે સમગ્ર ગુજરાતમાં ગુજરાતી ભાષા બચાવવાની બૂમાબૂમ ચાલી રહી છે અને આ બૂમાબૂમ બિલકુલ વ્યાજબી છે.અને હા ગુજરાતની અસ્મિતા સમી આપણી ગુજરાતી લુપ્ત થવાને આરે હોય તે કેમ ચાલે ? અને સાચો ગુજરાતી ચલાવી પણ ન લે ! ગુજરાતી ભાષા એ આપણો બુલંદ અવાજ છે, એક એવો અવાજ જેમાં આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા અને અસ્મિતા  ઝીલાય છે. હા... એક વાત ચોક્કસ છે કે જો આપણે આપણી માતૃભાષાનું ગૌરવ નહીં કરીએ તો આપણી સંસ્કૃતિ અને પ્રાચીન વારસો કાળનાં પેટાળમાં ડૂબી જવાનો એ કડવું -સચોટ સત્ય છે ! ગુજરાતમાં અને ભારતમાં અંગ્રેજી માધ્યમનું  વધતું જતું પ્રમાણ એ મેકોલોનું સ્વપ્ન સાકાર થતું હોય તેવું લાગે છે. મેકોલેએ તેનાં પિતાને લખેલાં પત્રમાં જણાવ્યું હતું કે ' મે ભારતમાં દાખલ કરેલી શિક્ષણ પદ્ધતિ ભારતની સંસ્કૃતિને પાયમાલ કરી નાખશે.' અને... જો કદાચ માતૃભાષા, રાષ્ટ્રભાષાને બચાવવામાં આપણે તસ્દી નહીં લઈએ તો એ દિવસો હવે દૂર નથી!!

                   
                       આટલું વાંચ્યાં પછી હૃદયમાંથી થોડીક ક્ષણ માટે એક ઉદ્દગાર નીકળશે: ' અરે આ શું ? માતૃભાષાનાં સ્વમાન માટે આપણો કેટલો શ્રમ ? ' અંગ્રેજી ભાષાએ નહીં , અંગ્રેજી માધ્યમે આપણને શક્તિવિહીન,લાચાર અને ખોખલા કરી નાખ્યા છે ! જે માધ્યમને આપણો સમાજ અને કેવો સમાજ ? વ્હાઇટ કોલરવાળો કહેવાતો શિક્ષિત સમાજ ગૌરવપૂર્વક સ્વીકારે અને તેનું ગૌરવ પણ લે છે ,પણ તે વ્હાઇટ કોલર કે શિક્ષિત સમાજને ક્યાં ખબર છે આ માધ્યમ મને અને મારા સંતાનને સાથે જમવા પણ નહીં દે અને જીવવા પણ નહીં દે તે'દી શ્રાવણના વરસાદની માફક અશ્રુનો વરસાદ ઘરનાં કોઈ એકાદ ખૂણામાં બેસીને કરવાનો જેથી આપણને કોઈ જોઈ પણ ન લે અને બીજાને'ડિસ્ટર્બ' પણ ન પડે !
                   મા-બાપ,કુટુંબની ભાષા ગુજરાતી અને ઘરે સંતાનોની ભાષા  અંગ્રેજી 'યસ ડેડ-નો ડેડ' દ્વારા જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યા કરે છે અને પછી આપણે,આપણો સમાજ ફરિયાદ કરે છે કે અમારાં સંતાનો અમારું કહ્યું નથી માનતા ! પણ સાચું છે,ન માને ?કારણ- સંસ્કારોની ગળથૂથી-મૂલ્યોનું સિંચન માતૃભાષામાં જ થાય .બાળક ઘોડિયામાં ઝૂલતું હોય અને તેને ગુજરાતીમાં શિવાજીનું હાલરડું સંભળાવીશું તો તેનામાં જોમ અને ખુમારી નિર્માણ થાય, આ તાકાત માતૃભાષામાં છે.માટે જ જે કંઈ સારું છે તે  બાળકને માતૃભાષામાં  આપવાનો પ્રયત્ન થવો જોઇએ.
                 અંગ્રેજી ભાષાની અવગણના કરવાનો નાનો સરખો પણ પ્રયત્ન નથી,અવગણના છે અંગ્રેજી માધ્યમની(આ લખનાર સ્પષ્ટપણે માને છે કે અંગ્રેજી આવડવું જ જોઈએ). વિજ્ઞાન અને ટેક્નોલોજી -ઈન્ટરનેટનાં ઝડપી સમયમાં ટકી રહેવા આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી જરૂરી જ નહીં બલ્કે અનિવાર્ય છે.ઈન્ટરનેટનાં આ જમાનામાં દુનિયાનાં કોઈ પણ દેશ, સંસ્થા કે વ્યક્તિ વિશે માહિતી મેળવવા માટે અંગ્રેજી ભાષા શીખવી જરૂરી જ છે.અને આમ... પણ આપણે આપણી ગૌરવશાળી વાત વૈશ્વિક સ્તરે વ્યક્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.બાળકોને નિમ્ન પ્રાથમિક કક્ષાથી જ  અંગ્રેજી વિષયનું શિક્ષણ આપવા પ્રયાસ થવો જોઈએ.પાયામાંથી જ અંગ્રેજી ભાષા મજબૂત થશે તો આપણને અંગ્રેજીનો ડર ઉભો નહીં થાય.
            વાત રહી અંગ્રેજી માધ્યમની, શું અંગ્રેજી માધ્યમ હોય તો જ  અંગ્રેજી ભાષા આવડે ?આ વાત કેટલા અંશે યથાર્થપૂર્ણ અને યોગ્ય છે.ગુજરાતના શિક્ષણજગતમાં અંગ્રેજી વિશે વધુ પ્રયત્નો કરવામાં આવે તો આ દિશામાં આપણને ચોક્કસ સફળતા મળશે જ !!અંગ્રેજી માધ્યમ વિના પણ આપણું બાળક વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મિલાવી શકશે એ વાત  બિલકુલ વ્યાજબી છે,પણ આપણા મનમાં તો એમ જ છે કે અંગ્રેજી માધ્યમ વિના બાળકને કમ્પ્યુટર નહીં આવડે, ડોક્ટર કે એન્જિનિયર નહીં બની શકે આ ભૂલભરેલો વિચાર આપણા મગજમાં એવો ઠસી ગયો છે કે તેને બહાર નીકળવાનું પણ મન થતું નથી !!ગુજરાતમાં રહીને ગુજરાતી માધ્યમમાં ભણેલા ઘણાં ગુજરાતીસપૂતો વિદેશમાં સારી અને પ્રતિષ્ઠિત કંપનીઓનાં માલિકો છે, અશક્ય કશું નથી-પણ ગુજરાતી માધ્યમમાં ડોકટર કે એન્જિનિયર બને એ અશક્ય છે આવું આપણે જ માનીએ છીએ.
                  ગુણવંત શાહ છેલ્લા ઘણા સમયથી માતૃભાષા બચાવવાના મહાઅભિયાનમાં જોડાયેલા છે,અને તે માતૃભાષાના પતનથી ચિંતિત છે અને તેમણે કહેલું કે ' માતૃભાષા બચાવવાના આ અભિયાનમાં જોડાઈને માતૃભાષાને બચાવો.' ગુણવંત શાહ અને માતૃભાષા બચાવવાના મહાઅભિયાનમાં જોડાયેલા સૌ ગુર્જર સપૂતોને લાખ... લાખ...સલામ.દરેક ગુજરાતી હૈયામાં જોમ, ઉત્સાહ અને નાવીન્ય દ્રષ્ટિ સાથે ગુજરાતી ભાષાના ગૌરવ અને અસ્તિત્વ માટે સાડા પાંચ કરોડ ગુજરાતી  એક બુલંદ અવાજ સાથે, એક સંકલ્પ સાથે ' ગુજરાતી ભાષાને બચાવવી છે, ગુજરાત બચાવવું છે ' ના જયનાદ સાથે સ્વર્ણિમ ગુજરાતનો જયઘોષ કરી રડતી માના (ગુજરાતી ભાષાના)ચહેરા પર હાસ્યની છોળો ઉડાડીએ અને અબીલગુલાલનાં છાંટણા કરીએ !
  જય ગુજરાતી-જય ગુજરાત
     જય જય ગરવી ગુજરાત


★ખાટું-મીઠું★
અંગ્રેજી માધ્યમનું વાવાઝોડું જ નહીં
'હું-હું ' (ખારા ઝેર જેવો પવન) ગુજરાતના શિક્ષણ જગતને કડવું ઝેર કરી રહ્યું છે. આવું ગાંડપણ હવે શહેરોમાંથી ગામડાંઓ સુધી પ્રસર્યું છે.
                        - મોતીભાઈ પટેલ

No comments:

Post a Comment

THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI

Post Top Ad