એક દિવસ હું સુરેન્દ્રનગરથી બોટાદ ટ્રેનમાં આવી રહ્યો હતો . જેમ ટ્રેનની ઝડપ વધી તેમ મારા વિચારોની પણ ઝડપ વધી; અને હું વિચારોમાં ખોવાઈ ગયો . વઢવાણ આવતાં જ ટ્રેનને બ્રેક લાગી અને મારા મનને પણ બ્રેક લાગી . મારી જમણી તરફનાં બાકડામાં ( પાટલી પર ) એક એજ્યુકેટેડ યુગલ હાથમાં લેપટોપ લઈને બેઠું હતું. વઢવાણથી એક કલરકામ કરતો તેમજ અસ્ત વ્યસ્ત અને કલરવાળાં કપડાં ધારણ કરેલ એક માણસ પેલા શિક્ષિત યુગલની સામે જઈ બેઠો . પેલા કલર કરવાવાળા માણસે હાથમાનું ટીફીન બાકડા નીચે મૂકી તે સૂઈ ગયો . તો બીજી તરફ સામે બેઠેલું 'વેલ એજ્યુકેટેડ યુગલ' તે માણસની સામે જોઈ તેની ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યું . અને પેલી યુવતીએ તો નાક આડે રૂમાલ પણ બાંધી દીધો . આ શિક્ષિત યુગલને જોઈ ડૉ .અબ્દુલ કલામ સાહેબની વાત યાદ આવી . કલામ સાહેબ કહેતા કે ' ભણેલો માણસ જો જીવનમાં મૂલ્યો ઉમરેવાનું બંધ કરી દેશે તો તે અભણ બની જશે.'
માણસનું સાચું મૂલ્ય તેને પહેરેલાં કપડાં કે તેનું દૂબળું પાતળું શરીર નથી પણ તેના વિચારો છે. વિચાર એ માણસનું 'આભૂષણ' છે . વિચાર જ માણસની સાચી ઓળખ છે . હરકિસન મહેતા કહેતા : 'સારાં કપડાં પહેરવાથી માણસનું ચારિત્ર્ય સુધરી જતું નથી!' અને આમ પણ પોતાનાં વ્યવસાય પ્રમાણે પહેરવેશ હોય જ ! મજૂરી કામે જતો માણસ સુટ - બુટ - ટાઈ પહેરીને જાય તો તે હાસ્યાસ્પદ લાગે તેમ કોઈ કંપનીનો એમ.ડી. ફાટેલા - તૂટેલાં વસ્ત્રો પહેરીને કંપનીમાં જાય તે પણ તેટલુ જ હાસ્યાસ્પદ લાગે ! સુકલકડી શરીરવાળાં અને અંગ ઉપર બે જ વસ્ત્રો ધારણ કરનાર ગાંધી ન જન્મ્યા હોત તો આજે પણ આપણી દશા શું હોત ખબર નહીં ? એ સુકલકડી શરીરની તાકાત નહોતી , એ સત્ય અને અહિંસારૂપી વિચારોની તાકાત હતી . વિચાર એક 'અણુબોમ્બ' છે જે જબરજસ્ત વિસ્ફોટ કરી સમાજમાં રાષ્ટ્રમાં ક્રાંતિનાં નવનિર્માણ કરી શકે છે . એકવીસમી સદી વસમી સદી છે . માણસ માણસને મારીને જીવે છે . એક ચિંતકે કહ્યું છે , 'મકાનો તોડીને મંદિરો બનાવે છે અહીં માણસને મારીને ભગવાનને જીવાડે છે.'
વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે કદમ મિલાવતાં મિલાવતાં ઘણું બધું ગુમાવતો જાય છે તે ચોક્કસ છે . નરા સ્વાર્થનાં સંબંધ અને માણસને તેનાં બાહ્ય દેખાવ અને પહેરવેશનાં આધારે ઓળખવાની બુઠ્ઠી માનસિકતા રાષ્ટ્ર માટે ઘાતક પૂરવાર થાય તો નવાઈ નહી ! ગમે તેટલી શોધો થાય પણ માણસ માણસ તરીકે જીવવામાં નિષ્ફળ રહે તો તે શોધો નકામી જ છે . એક વિચારકે કહ્યું છે . ' માણસ પંખીની જેમ ઉડવા માંગે છે, માછલીની જેમ તરવા માંગે છે પણ માણસ માણસની જેમ જીવવા માંગતો નથી!'
બહારથી વ્હાઈટ કોલરવાળા દેખાતાં માણસોમાં આંતરિક મેલાપણું હોય છે જ્યારે ફાટેલાં - તૂટેલાં કપડાંવાળા માણસો ભોળા હોય છે . આજે માણસ માણસની ઓળખ કપડાંથી કરે છે . કપડાં , શરીર એ 'નાશવંત' છે જ્યારે વિચાર 'જીવંત' છે . વિચાર માણસનો પ્રાણવાયુ છે અને માણસને જીવંત રાખવા માટે કાફી છે . આજે ગાંધીજી હયાત નથી પરંતુ તેનો વિચાર જીવંત છે તે સનાતન વાત છે .
વર્ષો પહેલાં એક ગ્રીક ચિંતક એથેન્સ નગરની સડક પર ભરબપોરે હાથમાં પેટાવેલું ફાનસ લઈ જઈ રહ્યા હતા . કોઈએ કૂતુહલતાથી પૂછ્યું : " મહાશય આ સૂર્યપ્રકાશમાં ફાનસ લઈને શું શોધી રહ્યા છો ? ક્યાંક પાગલ તો નથી થઈ ગયા ને ?" ત્યારે ગ્રીક ચિંતકે જવાબ આપ્યો હતો કે " હું માણસને શોધી રહ્યો છું." જે 'દિ યુરોપમાં સંસ્કૃતિ , સભ્યતા કંઈ જ નહોતું તે'દિ ભારત વિશ્વને રસ્તો દેખાડી રહ્યું હતું . એ જ ભારત આજે માનવતામાં પ્રતિદિન પાછું ઘકેલાતું જાય છે .
'શોધ ઈન્સાનની' પુસ્તકમાં તેના લેખક ડૉ . સત્યપાલસિંહ લખે છે કે
'મનનું મેલાપણું અને બહારથી સજજનતા ,
પૈસાનું અધિકપણુ અને વિષયોની અલગતા ,
આ ચમકમાં , આ દમકમાં , પ્રગતિની ભાગદોડમાં
રીસાઈને તડપી તડપીને તું ક્યાં છૂપાયો છે ?
ભીતર શોધો , બહાર ગોતો , આ તો દુનિયા ન્યારી છે, ઈન્સાનિયત ખોઈને પણ , એ ઈન્સાન શોધ તારી ચાલુ છે.'
માણસ માણસને ઓળખવામાં , માનવતાને ઓળખવામાં નિષ્ફળ રહેશે તો ખબર નહીં માણસ નામની જાતિનું શું થશે ? !
હોટ પોઈન્ટ
'હું સ્વભાવે ચુસ્ત કોમવાદી માણસ છું . જ્યારે પણ તક મળે ત્યારે હું મારી કોમનું આંખ મીંચીને તાણવા લાગું છું . માણસ નામની કોમમાં મારો જન્મ થયો છે તેથી હું માણસજાતનું હિત જોખમાય ત્યાં ઝનૂનપૂર્વક અવાજ ઉઠાવું છું . માણસથી ચડિયાતા સત્યમાં મને ઝાઝો રસ નથી . માનવ ધર્મથી પર એવા કોઈ ધર્મમાં મને શ્રદ્ધા નથી . હું કટ્ટરપંથી છું , કારણકે હું કટ્ટર માનવતાવાદી છું .' - ગુણવંત શાહ
ખુબ સરસ
ReplyDelete