'કૃષ્ણ' શબ્દ આંખોને અને હૈયાને ટાઢક આપે છે તો પ્રેમીઓને વિરહની વેદના આપે છે.ગોવાળોને મસ્ત મજાની મસ્તી અને માખણ આપે છે, તો નરસિંહ , મીરાંબાઈ જેવાંને અકલ્પય બળ આપે છે.ભકતોનાં હૈયાને ટાઢક આપતો 'કૃષ્ણ' શબ્દ દુશ્મનોને દઝાડે પણ છે. 'કૃષ્ણને' પાંચમી સપ્ટેમ્બરનાં દિવસે યાદ કરવાં જ પડે , કારણકે સાંદિપની ઋષિનાં શિષ્ય 'કૃષ્ણ' વિશ્વગુરુ છે. ભારતમાં ધર્મની સ્થાપના માટે તેમણે જે-જે કર્યું તે માર્ગદર્શક બાબતો સાબિત થઈ છે .'કૃષ્ણ' એટલે આપણને સતત પોતાનાં તરફ આકર્ષિત કરતું અલૌકિક તત્વ છે. 'કૃષ્ણ'એ વિશ્વની વિવિધ સમસ્યાઓની વાત શ્રીમદ્દ ભગવદ્દગીતામાં કરી છે . 'કૃષ્ણ ઈઝ ગ્રેટ ગુરુ .' એક પણ પ્રશ્ન એવો નહીં હોય કે જેનું સમાધાન શ્રીમદ્દ ભગવદ્દગીતામાં ન હોય ! અને એટલે જ હજારો વર્ષો પછી આપણે વિશ્વગુરુ કૃષ્ણને યાદ કરીએ છીએ .કુરુક્ષેત્રનાં મેદાનમાં અર્જુન જે રીતે વિષાદમાં હતો તેવી રીતે આજનાં હજારો અર્જુનો જીવનનાં રણસંગ્રામમાં વિષાદમાં અટવાયેલા છે, તેને વિશ્વગુરુ કૃષ્ણ અને શ્રીમદ્દ ભગવદ્દગીતા રસ્તો બતાવવા સક્ષમ છે.
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતાનાં અધ્યયન - અધ્યાપન કાળ દરમિયાન વિદ્યાર્થી અને શિક્ષણનાં હિત અને વિકાસ માટે સતત ચિંતન મનન - મનોમંથન કરી હજારો વિદ્યાર્થીઓનાં જીવનમાં આશાનું પ્રજ્વલિત કિરણ રેલાવ્યું હતું. રાષ્ટ્રપતિ બન્યા પછી પણ તેઓ શિક્ષકનાં ગૌરવને ભૂલ્યાં નહોતા. અને આજીવન શિક્ષકનું ગૌરવ સેવ્યું .
પાંચમી સપ્ટેમ્બર આવવાની તૈયારી હોય ત્યારે શૈક્ષણિક સંકુલો ડૉ.સર્વપલ્લીની યાદમાં ' શિક્ષકદિન'ની ઉજવણી માટે તડામાર તૈયારી કરવા લાગે છે . એનિ..વે આમાં જરાય ખોટું નથી પણ... 'શિક્ષકદિનની' સાથે સાથે 'ચિંતનદિન' બની રહે તે પણ તેટલું જ જરૂરી છે.ડૉ. સર્વપલ્લી પોતાના જીવનકાળ દરમિયાન શિક્ષણ માટે નવું-નવું વિચારતાં રહ્યા, શિક્ષણનાં પ્રશ્નો એ પોતાનાં પ્રશ્નો,વિદ્યાર્થીની મુશ્કેલી એ પોતાની મુશ્કેલી તેવું માનતા હતા. આજે શિક્ષણજગત સામે અનેક પ્રશ્નો ઉભા છે. અપૂરતું નામાંકન, ડ્રોપઆઉટ રેટ, કન્યા કેળવણીનું ઓછું પ્રમાણ, બાળમજૂરી,વાલીઓની શિક્ષણ પ્રત્યે અજાગૃકતા જેવા પડકારો આપણને હાથતાળી દે છે !! આઝાદી પ્રાપ્તિ પછીનાં અડધી સદીથી વધારે સમયગાળામાં આપણે શિક્ષણમાં ધાર્યા પરિણામો લાવી શકયા નથી ! આ મુદ્દે વિચારવું ખૂબ જ જરૂરી થઈ પડે છે કે આવું કેમ ?
એકવીસમી સદીનાં પ્રારંભે વિદ્યાર્થીઓની અપેક્ષાઓ વધી છે.વાલીસમાજ 'કવોલીટી એજ્યુકેશન'ને મહત્વ આપે છે.આ અપેક્ષાઓને પૂર્ણ કરવા શિક્ષકોએ સતત જ્ઞાનનું વૃદ્ધિકરણ, આધુનિકતાનો સ્પર્શ, મૌલિક નવનિર્માણની પહેલ, સતત ચિંતન - મનન - આત્મખોજ કરી અપડેટ થવું પડશે , નવિન પ્રવાહોને ઝીલવા પડશે તો જ આપણે કૃષ્ણની માફક આપણા હજારો વિદ્યાર્થીઓનાં (અર્જુનો) મનની શંકાઓનું નિવારણ કરી શકીશું .
પાંચમી સપ્ટેમ્બર ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જમદિવસ શિક્ષણજગત માટે ઉજવણી ઉપરાંત ચિંતનનો દિવસ બની રહે અને રાષ્ટ્રપતિ તરીકે દેશનાં પ્રથમ નાગરિક તરીકેનું માન એક શિક્ષકને મળે એ 'ભા૨તીય ગુરુઓ' માટે ગૌરવની નહિં ,બલકે ચિંતનની સરવાણી તેમજ આશિર્વાદ બની રહેશે અને ભારતીય ગુરુઓ હજારો કૃષ્ણ, રાધાકૃષ્ણન નિર્માણ કરવામાં ' શિક્ષકત્વને' ગૌરવનું વધુ એક મોરપીંછ શોભાન્વિત કરશે જ ! અને હા ... કુરુક્ષેત્રનાં રણમેદાનમાં જેમ કૃષ્ણે અર્જુનને ધર્મનાં રણમેદાનમાં તેનો વિષાદ દૂર કરી ધર્મની સ્થાપના કરવા માટે, કર્મ કરવા પ્રેરિત કર્યો હતો તેમ વર્ગખંડમાં રહેલાં હજારો અર્જુનો (વિદ્યાર્થીઓને ) જીવનસંગ્રામમાં રાહ બતાવી તેના માટે આપણે સારથિ બની 'કૃષ્ણ વંદે જગદગુરુ'ની માફક ' શિક્ષક વંદે જગદગુરુ' બનીએ એવી અભિલાષા સાથે કૃષ્ણ ,રાધાકૃષ્ણન અને ભારતીય ગુરુઓને વંદન.
★ખાટું -મીઠું
"માણસની મહત્તા એમાં નથી કે એ શું છે , બલકે એમાં છે કે તે શું બની શકે છે ." -ડૉ.સર્વપલ્લી રાઘાકૃષ્ણન
વાહ...મિત્ર કપિલ સતાણી
ReplyDeleteખરા અર્થમાં શિક્ષક અને ચિંતક તરીકે આપ કાર્ય કરો છો. નોકરીને માત્ર નોકરી નહિ પણ ધર્મ સમજીને આપ કર્મ કરો છો.
શિક્ષક દિવસની શુભકામનાઓ સાથે અભિનંદન.