બાળકોનું બાળપણ છીનવાય રહ્યું છે !
બાળકની વેદના : 'મને મારું બાળપણ પાછું આપો '
એકવીસમી સદી જ્ઞાન -વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. ટેકનોલોજી કૂદકેને ભૂસકે વધી રહી છે.... ત્યારે આપણે આપણો સમાજ અને આપણું રાષ્ટ્ર ઘણું બધું ગુમાવી રહ્યું છે, તે વાસ્તવિકતાની એરણ પર ચકાસવા જેવી વાત છે. અને કદાચ.... એકવીસમી સદીની બાળપેઢી પણ આમાં સપડાયેલી છે. આજનાં બાળકો વિવિધ કારણોસર પોતાનું મસ્તમજાનું બચપણ ગુમાવી રહ્યાં છે તે સાચું છે. ગુણવંત શાહ કહેતાં કે ' જેનું બાળપણ ખેલકૂદ અને આનંદથી ઉભરાતું નથી એનું કૌમાર્ય લથડે છે અને જેનાં કૌમાર્યની વસંત એળે જાય ત્યારે યૌવન જોઈએ તેવું ખીલતું નથી, પછી વાધૅકયની મજા લૂંટવાની ત્રેવડ ક્યાંથી રહે ? ' બાળકની સર્જનાત્મક અને સ્વતંત્રતા ઉપર તરાપ મારી છે અને આ ત...રા... પ રાષ્ટ્ર માટે ઘાતક પુરવાર થાય તો નવાઈ નહીં...!!
મને યાદ છે અમે જ્યારે નાનાં હતા ત્યારે અમારા ગામ માલપરા(વલ્લભીપુર)માં શાળામાં રજા પડે પછી અને રવિવારનાં દિવસોમાં ક્રિકેટ, મોઈ-દાંડિયા, ચોર-પોલીસ, સંતાકૂકડી, ટાયર ફેરવવા, લખોટીએ રમવું, વાડીઓમાં અને ગામનાં પાદરમાં રખડપટ્ટી કરવી વગેરે જેવી રમતો રમી બાળપણની ખરી મજા લેતાં !!આજની બાળપેઢી પાસેથી આ બધી રમતો કોણે છીનવી લીધી ?વાર્ષિક પરીક્ષા પૂરી થતી ત્યાર પછી અમે ખરાં ઉનાળે છત્રીનાં છાંયડે લખોટીએ રમતાં અને એ રમતનો આનંદ ખરેખર વ્યક્ત થઈ શકે તેમ જ નથી...!!
અમે બધાં ભાઈઓ ક્રિકેટ રમવા ખારામાં(ગામની બહાર ખુલ્લું મેદાન)જતાં અને સાંજ પડ્યે પાછા આવતાં ત્યારે અમારાં વાલજીદાદા કહેતાં કે ' સારું તમે આવી ગયાં,હું ટીફીન લઈને આવતો જ હતો. ' આમ એ બાળપણ ખરેખર અમૂલ્ય અને અવર્ણનીય છે. ખેર ...એ બાળપણ હવે પાછું આવવાનું નથી પણ જે કરોડો બાળકો પાસેથી એનું બાળપણ છીનવાઈ રહ્યું છે... એનું શું ? રાજેશ વ્યાસ' મિસ્કીન 'ની એક પંક્તિ યાદ આવે છે
"કાચો છું તો સમજણ આપ,
કાંતો પાછું બચપણ આપ..."
આજની બાળપેઢી અમારી જેમ મુક્ત નથી,ખબર નહીં.... કેમ ?બાળક અનેક પ્રકારની આપત્તિઓ નીચે દબાયો છે,જેથી તેનાં ચહેરા પરનાં સ્મિત ખોવાણાં છે.આજે બાળકની વેદના-સંવેદના કંઇક આવી છે,ગિજુભાઈ ઉવાચ: ' મારે રમવું ક્યાં ? મારે કૂદવું ક્યાં ? મારે ગાવું ક્યાં ?મારે કોની સાથે વાતો કરવી ?બોલું તો બાને ગરબડ લાગે, રમું તો પિતાજી વઢે, કૂદું તો બેસી જવાનું કહે, ગાવું તો મૂંગા રહેવાનું કહે, કોઈ કહેશો.... તો મારે જવું ક્યાં ??
આજની બાળપેઢી પર ' સાઈકોલોજિકલ રેપ ' (માનસિક અત્યાચાર)થઈ રહ્યો છે. તેની પાછળ જવાબદાર કોણ ? માતા-પિતા, સમાજ, શિક્ષણ વ્યવસ્થા... ત્રણેય પરિબળોએ વિચારવું તો પડશે જ .આજની બાળપેઢી શિક્ષણનાં ભાર તળે તેમજ માતા -પિતાની નજરબંધીમાં નજરકેદ છે. શિક્ષણનાં ક્ષેત્રમાં પણ બાળકને જે ક્ષેત્રમાં રસ છે તેમાં બાળકની સર્જનાત્મકતાને છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રખડપટ્ટી કરનાર બાળક રાષ્ટ્રને નવી શોધ અને વિચારધારા આપી શકે છે રવિન્દ્રનાથ ટાગોરની જેમ... !! ક્રિકેટ રમતું બાળક સારો ક્રિકેટર બની શકે છે સચિન તેંડુલકરની માફક,ધૂળ કે રેતીમાં મકાન બનાવતું બાળક મોટું થઈને એન્જીનિયર બની શકે છે.બાળકમાં રચનાત્મક અને મૌલિકતાનાં જે બીજ છે તેને માત્ર પ્રેરણારૂપી પાણીનું સિંચન કરી વિશાળ વટવૃક્ષ બનાવવાની દિશામાં આપણાં સમાજે, આપણાં રાષ્ટ્રે પ્રયત્ન કરવો જ રહ્યો .મારું બાળક ડોક્ટર કે એન્જીનિયર બનશે જ એવો ખ્યાલ ભૂલ ભરેલો અને વાહિયાત છે.બાળકને ધ્યાનથી નિહાળો અને તેનામાં રહેલી સર્જનાત્મકને માત્રને માત્ર પ્રોત્સાહન આપો,ચોક્કસ...તમારું બાળક રાષ્ટ્રને નવી શોધ આપી શકે છે !!
દુ:ખ સાથે કહેવું પડે છે કે બાળક પાસેથી તેમની રમતો તો છીનવી લીધી...પણ હવે તો.....તેમની માબોલી ભાષા ....માતૃભાષા પણ છીનવી લીધી છે.કેટલો મોટો માનસિક અત્યાચાર છે જે બાળપણનું પતન નોતરે છે. મનુભાઈ પંચોળીએ જામનગરમાં પોતાનાં પ્રવચનમાં કહેલું કે ' આજે આપણે આ કોન્વેન્ટ ,અંગ્રેજી ભાષાનો મોહ વગેરે બાળકો પર લાદીને ત્રાસ ગુજારી રહ્યાં છીએ.પેલી ગુલીવરની વાર્તા છે ને ..જેમાં ઠીગુંજી મોટા લોકોની દુનિયામાં અટવાઈ જાય છે ,આ બાળકો તે ગુલીવર છે અને આપણે સૌ મોટા કદનાં રાક્ષસો ! આપણાં ઢાળમાં તેમનાં બીબાં ઢાળીએ છીએ.પણ જીવનમાં એક લય છે,બાળકમાં તે લયને એની મેળે લહેરવા દો બધું આપમેળે સુંદર સર્જાશે.'
બાળકનાં બાળપણને જો સ્વતંત્રતા આપવામાં આવશે તો રાષ્ટ્ર વિકાસની દોડમાં આગળ વધશે જ.બાળકને બીજું કંઈ ન અપાવી શકીએ તો કાંઈ નહીં,પણ તેનું બાળપણ પાછું અપાવી બાળકનાં ચહેરા પર સ્મિત રેલાવવામાં નિમિત્ત બનીએ.ચાલો બાળકનાં બાળપણને જીવંત કરી મુખ પરનું સ્મિત રેલાતું થાય અને શેરીનાં ગલૂડિયાં સાથે રમતું થાય તો આપણે એકવીસમી સદીમાં ઘણો વિકાસ કરીશું એમ માની લઈ પરિતૃપ્તિનો ઓડકાર લેવો જ રહ્યો !!
★ખાટું -મીઠું★
No comments:
Post a Comment
THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI