ગુરુને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવાનો દિવસ ગુરુપૂર્ણિમા - કપિલ સતાણી - KAPIL SATANI

KAPIL SATANI

KAPIL SATANI BLOG IS THINKING FULL ARTICLES, PUBLISH BOOK, LITERATURE AND EDUCATIONAL INFORMATION

Breaking

Post Top Ad

Sunday, July 5, 2020

ગુરુને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવાનો દિવસ ગુરુપૂર્ણિમા - કપિલ સતાણી

          ભારતીય સંસ્કૃતિમાં, ભારતીય વિચારધારામાં ગુરુપૂર્ણિમાનું અનેરું મહત્વ અંકાય છે, કારણકે ભગવાન અને માતાપિતા  પછીનું સ્થાન એટલે પાવિત્ર્યદક્ષ અને જ્ઞાન-જીવન ઘડતર કરનાર ગુરુનું છે. આ ગુરુના મહત્વને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવાનો અને નમસ્કાર કરવાનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા. અસામાન્ય શક્તિ જે પ્રભુ સ્વરૂપ હોય તે એટલે ગુરુ ! ગુરુપૂર્ણિમાનું બીજું નામ વ્યાસપૂર્ણિમા છે,કારણકે આ દિવસે સંસ્કૃતિના આધારસ્થંભરૂપી તત્વોનો પૂજન કરવાનો દિવસ છે. ભારતીય વિચારધારા મહર્ષિ વેદવ્યાસને આદ્યગુરુ તરીકે પૂજતી આવી છે, વેદવ્યાસ વ્યક્તિ નહિ શક્તિ હતા, વિચારક નહિ, જીવન ભાષ્યકાર હતા. વેદવ્યાસે પોતાના ગ્રંથોમાં જીવનદક્ષ કોઈ વાત છુપાવી નથી!

                     આજે આપણે ગુરુની પરિકલ્પના બદલી નાખી છે, આજે આપણે એમ માનીએ છીએ કે ભગવા વસ્ત્ર ધારણ કરનાર જ ગુરુ હોય !! ના....ના....સાદા વસ્ત્રો ધારણ કરનાર સામાન્ય માણસ પણ ગુરુ હોઈ શકે. મારા જીવનકાળ દરમ્યાન મને જેણે જેણે વિકાસનો -સમજનો-સિદ્ધાંતનો રાહ બતાવ્યો છે તે મારા ગુરુ આ સમજ દ્રઢ કરવી રહી. ગુરુ એક પરમતત્વ છે જે ક્યારેય અટકે નહિ, ખટકે નહિ, પટકે નહિ, નાશ ન પામતું પરમતત્વની પ્રતિભા એટલે ગુરુ. જીવનમાં ગુરુ વિના કોઈ માણસ પોતાના જીવનમાં પ્રકાશ ન ફેલાવી શકે આ ચિરંતન અને શાશ્વત વાત છે, અને આ ગુરુ વ્યક્તિ, વનસ્પતિ, પશુ-પંખી કોઈ પણ હોઈ શકે! કાળ-પરિસ્થિતિ પ્રમાણે હાલ ગુરુ-શિષ્યના સંબંધોનું મહત્વ ઘટતું જાય છે. ગુરુ માટે જેટલું બોલીએ અને જેટલું લખીએ તેટલું ઓછું છે.
                     ગુરુ એટલે એ વિભૂતિતત્વ જે અજ્ઞાનથી જ્ઞાન તરફ, અધર્મથી ધર્મ તરફ, અસત્યથી સત્ય તરફ પ્રયાણ કરાવે છે અને જીવનનાં ઉચ્ચતમ મૂલ્યોનું સિંચન કરે છે. ગુરુની મર્યાદા પણ આપણને જીવનમૂલ્યો તરફ અંગુલીનિર્દેશ કરે છે. ઈશ્વરનું સામીપ્ય અને સાંનિધ્ય દેખાડનાર ગુરુ છે. આજના પાવન દિવસે જેને મને જીવન જીવવાનો રાહ બતાવ્યો એને કેમ ભૂલાય ? જીવન વિકાસની અમૂલ્ય પ્રતિભાને કેમ વિસરાય ? ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુના શિષ્ય તરીકે ગુરુના કામની ,ગુરુના જીવનની સુવાસ ચોતરફ પ્રસરાવવી જોઈએ અને ગુરુના ઋણને જીવનભર ન ભૂલવું જોઈએ.
             ગુરુ વિના માનવીનું અસ્તિત્વ નથી તેથી સાક્ષાત ભગવાન અને દેવોને પણ ગુરુ હતા, ગુરુ આપણા દોષનો વિનાશ કરી કલ્યાણનાં માર્ગે લઈ જાય છે, મનમાં શુભ સંકેતોની પ્રેરણા આપે છે, ગુરુ નિ:સ્વાર્થ હોય છે અને નિ:સ્વાર્થ ગુરુ જ આ જગતનું કલ્યાણ કરી શકે છે.
કબીર સાહેબે દોહાવલીમાં લખ્યું છે -
"સબ ધરતી કાગદ કરું, લેખની સબ બનરાય,
સાત સમુદ્ર કી મસિ કરું, ગુરુ ગુણ લિખા ન જાય."
            આપણે સાચા અર્થમાં ગુરુપૂર્ણિમા પર્વને ઉજવવા માંગતા હોઈએ તો સમાજમાં ગુરુનું મહત્વ વધારવા પ્રયાસ કરવો જોઈએ. ગુરુના જીવનનું પ્રતિબિંબ શિષ્યમાં દેખાય છે. ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ અભેદ છે. ગુરુ અને શિષ્યનો સંબંધ દુનિયાની કોઈ શક્તિ ન તોડી શકે તેટલો મજબૂત છે. ગુરુ એક સૂર્ય છે જે દુનિયાને અજવાળે છે. ગુરુ સૂર્ય અને ચંદ્ર બની પોતાના શિષ્યને પ્રકાશ અને શીતળતા બક્ષે છે. દુનિયાભરના આવા ગુરુ અજોડ પ્રતિમા-પ્રતિભા છે !
                     આજના આ ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે ગુરુને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરી અને મનમાં આ વિચારનું સ્મરણ કરીએ કે ' હે ગુરુ, તમે જ અમારા જીવનની નાવ છો, એનાં આપ હલેસાં બની રહો, હે ગુરુ તમે જ અમારા જીવનના દિપક છો, રોશની ફેલાવતાં રહો.' આજનાં દિવસે આપણા જીવનવિકાસમાં સહાયક બનનાર, આપણને સાચી દિશામાં માર્ગદર્શિત કરનાર સૌ ગુરૂજનોને વંદન કરી સમાજમાં ગુરુનું મહત્વ પ્રસ્થાપિત કરી દુનિયાના કલ્યાણના માર્ગને ખોલીએ. દુનિયાભરના સૌ ગુરુજનોના ચરણોમાં વંદન.
                                                      -કપિલ સતાણી
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
◆ખાટું-મીઠું ◆
અજવાળું અજવાળું,

ગુરુજી તમ આવ્યે, મારે અજવાળું." 

 -દાસી જીવણ

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●



No comments:

Post a Comment

THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI

Post Top Ad