સ્વતંત્રતા દિવસ-સંઘર્ષ, પ્રગતિ અને પડકાર.(કપિલ સતાણી) - KAPIL SATANI

KAPIL SATANI

KAPIL SATANI BLOG IS THINKING FULL ARTICLES, PUBLISH BOOK, LITERATURE AND EDUCATIONAL INFORMATION

Breaking

Post Top Ad

Monday, August 14, 2023

સ્વતંત્રતા દિવસ-સંઘર્ષ, પ્રગતિ અને પડકાર.(કપિલ સતાણી)

પચાસથી વધુ શૈક્ષણિક વીડિયોની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા અહીંયા ક્લિક કરો.     
          

               આજે સૌ ભારતીયો  સ્વતંત્રતા દિવસની ઉજવણી   આન-બાન-શાનથી ઉજવી રહ્યા છે.સૌ કોઈ હર્ષોલ્લાસથી આ પર્વમાં સહભાગી બની રહ્યા છે.સમગ્ર દેશમાં જે પ્રકારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે તે એક નવી જ ઉર્જા નિર્માણ કરે છે.રાષ્ટ્રધ્વજ લેવાં માટે લોકોની ભીડ એક નવા જ પ્રકારનું આકર્ષણ ઉભું કરે છે.સૌ લોકો પોતાનાં ઘર પર સ્વયંભૂ રાષ્ટ્રધ્વજ ફરકાવી પોતાની દેશભક્તિ પ્રગટ કરી રહ્યા છે!!ભારતના તમામ પ્રાંતોમાં જે પ્રકારે  તિરંગાયાત્રાઓ અને રેલીઓનું આયોજન થઈ રહ્યું છે અને લોકો સ્વૈચ્છિક ભાગીદાર બની રહ્યા છે. સ્વતંત્રતા દિવસમાં નાગરિકો,સરકાર, સામાજિક અને ધાર્મિક,ઔધોગિક સંસ્થાઓ,શાળા-મહાશાળાઓ પોતપોતાનું પ્રદાન આપી રહ્યા છે જે ગૌરવ જન્માવે છે! ભારત સરકાર છેલ્લા બે વર્ષથી અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી લોકોમાં દેશપ્રેમની ભાવના અંકુરિત કરવાનું અને સૌને જોડવાનું કામ કરી રહી  છે.
            આ સ્વતંત્રતા દિવસ  દેશભક્તોને હૃદયપૂર્વકની સાચી  શ્રદ્ધાંજલિ હોય અને હૈયામાં ભારતનાં નવનિર્માણનું સપનું હોય ! 15 મી ઓગસ્ટ 1947 નો દિવસ સૌ ભારતીયો માટે જશ્નનો  દિવસ હતો.કારણકે ઘણા બધા વર્ષો પછી ભારતવાસીઓ મુક્ત થયાં હતાં તેનો આનંદ હતો.સ્વતંત્ર ભારતની મશાલ પ્રગટી એ પણ ક્રાંતિની ! તેની પાછળનું કારણ ક્રાંતિકારીઓની દેશપ્રેમની ભાવના હતી.માતૃભૂમિ માટે બલિદાન આપવામાં તસુભાર પાછા હટયા નહોતા. આ દેશની હરિયાળીને પોતાના લોહીથી સિંચવાની તેમની તૈયારી આદરભાવ જગાવે છે. ભારતમાં અંગ્રેજ સત્તાને વિસ્તારવા વોરન હેંસ્ટિગજે અનેક અન્યાયી વ્યવહારો આપણી સાથે કર્યા હતા. અંગ્રેજોએ પોતાની શાસનવ્યવસ્થા દરમિયાન ભારતીય સમાજમાં ભેદભાવ  વધારવા  સક્રિય  પ્રયત્નો  કર્યા  હતા.
ભારત દેશને અને  ભારતની  પ્રજાને  વધુમાં  વધુ  ગુલામીમાં  રાખવા માંગતા હતા કારણકે તેમની ઇચ્છા હતી કે અમારે ગુલામ ભારત જોઈએ ! પરંતુ આવા સમયે એવાં દેશભક્તો અને ક્રાંતિવીરો આવ્યા કે જેમને પોતાની મુક્ત ભારતમાતા જોઈએ અને તેના માટે તેઓ બલિદાન આપવા તૈયાર થઈ ગયા. જેનાં પરિણામ સ્વરૂપ 15 મી ઓગસ્ટ 1947 નાં રોજ આપણે આઝાદ થયા. ઈ. સ. 1780 થી થયેલ ક્રાંતિની- મુક્તિયાત્રાની કુચ કેટકેટલી યાતના, કેટકેટલા બલિદાનો,શહીદોના કેટકેટલા તરાપા પર તરતી 1947 માં સ્વાધીનતાને  આરે લાંગરી! એ વાતને યાદ કરી શહીદોને સલામ કરવાનો પાવન પર્વ એટલે 15મી ઓગસ્ટ.
                          એ મેરે વતન કે લોગો,
                        જરા યાદ કરો કુરબાની,
                       જો શહીદ હુએ હૈ ઉનકી, 
                        જરા યાદ કરો કુરબાની.
    સ્વતંત્રતા દિવસે આ ક્રાંતિવીરો, વીરસપૂતો અને વીરાંગનાઓની શૌર્યગાથાઓ અંકિત થયેલી છે. આપણો આઝાદ દિન દુનિયાના ઈતિહાસમાં અમૂલ્ય મૂલ્ય ધરાવે છે. આ વાત થઈ ભૂતકાળને યાદ કરી ભૂતકાળમાં ભીના થવાની !
                         આપણે કૃષિ, વિજ્ઞાન, સિંચાઈ, ઉદ્યોગ, શિક્ષણ,તકનીકી, સંરક્ષણ, વાહનવ્યવહાર જેવાં અનેક ક્ષેત્રોમાં આઝાદી પછી ખૂબ જ ઝડપી ગતિએ વિકાસ કર્યો છે, છતાં પણ એક વાતની ચિંતા સતાવે છે કે ભારતને આઝાદ થયાને છોત્તેર વર્ષ થયાં પછી પણ આપણે આઝાદ નથી! ભારતમાં ભ્રષ્ટાચાર, ગરીબી,અસ્પૃશ્યતા,જાતિભેદ, મોંઘવારી, બેકારી, અંધશ્રદ્ધા,સ્ત્રીભ્રુણ હત્યા,લાગવગશાહીનું પ્રમાણ ઓછું થયું નથી! કેમ ? શા માટે ? આપણે તો આઝાદ થયાને છોત્તેર વર્ષ થયાં છતાં હજુ આ બધી જ સમસ્યાઓથી ઘેરાયેલાં છીએ ! આજે ભારતનો દરેક નાગરિક બંધારણીય રીતે સ્વતંત્ર છે, વૈચારિક અને માનસિક રીતે શું સ્વતંત્ર છે ? આઝાદીનાં છોત્તેર વર્ષ પછી પણ આપણે જ્યાં ત્યાં વાહનો મૂકીને ટ્રાફિકની સમસ્યા પેદા કરીએ છીએ, આજે પણ જ્યાં ત્યાં કચરો નાંખી ગંદકી ફેલાવી આપણી બુદ્ધિનું પ્રદર્શન કરીએ છીએ, આજે પણ આપણે ગર્ભમાં દીકરીની હત્યા કરી નાખીએ છીએ,ગર્ભમાં જ દીકરીને મારી નાખવાની ફેશન પ્રચલિત   થઈ   હોય   તેવું   લાગે   છે.
સ્ત્રી ભ્રુણ 
હત્યા એ આપણી ગુલામીનું વરવું પ્રતીક છે. આજે પણ આપણે નાના નાના બાળકોને કામે જોતરી બાળમજૂરો પેદા કરીએ છીએ.આજની યુવાપેઢી ઈન્ટરનેટ અને ગેમ પાછળ એટલી બધી ઘેલી થઈ છે કે હવે તેમને તેમાંથી બહાર કાઢવા એ ખાલી કુવામાંથી પાણી કાઢવા જેટલું મુશ્કેલ  કામ બન્યું છે.આજે આઝાદીનાં છોત્તેર વર્ષ પછી પણ સરકારી મિલકતને આપણે પોતીકી ગણતા નથી અને એટલે જ 'રસ્તા રોકો' આંદોલનમાં આપણે બસનો કાચ તોડતાં જરાં પણ અચકાતા નથી ! છોત્તેર વર્ષ પછી આજનાં માતાપિતાઓ મુક્ત છે ? ના....નથી ! હજુ એવાં ઘણાં માતા-પિતાઓ છે જે આજે પણ એવું માને છે કે દીકરીઓને ભણાવાય નહિં, કારણકે તેને પરણીને સાસરે જવાનું હોય છે ! શું એકવીસમી સદીની દીકરી પોપટની જેમ પિંજરામાં પૂરાઈને રહેશે ખરી ? આકાશમાં ઉડવા માંગતી પરીની પાંખો બાંધીને આપણે આપણી ગુલામ માનસિકતાનો પરિચય કરાવીએ છીએ.
         આઝાદ થયાનાં છોત્તેર વર્ષ પછી પણ  આંદોલનો કરીને આપણી રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડીને આપણે ભારતીય હોવાનું ગૌરવ લઈએ છીએ અને જાહેર રસ્તા પર ચક્કાજામ કરી દઈએ છીએ પછી એમ્બ્યુલન્સ ભલે અટવાઈ પડે, કારણકે આપણે આઝાદ છીએ ! હવે મને કહેવાવાળું કોણ ? હું આઝાદ છું (ચંદ્રશેખર આઝાદ નહિં).હક માટે આંદોલન કરવા જોઈએ પણ નુકસાન નહિં. ઈઝરાઈલમાં પણ આંદોલનો થાય છે પણ યહૂદી લોકો રાષ્ટ્રીય સંપદાને નુકસાન નથી કરતા. શું આપણી કોઈ જવાબદારી જ નહિં ? હજુ પણ આપણે રૂઢિચુસ્ત ખ્યાલોમાં જકડાઈને બેઠાં છીએ ? કારણ.... આજે પણ આપણે સ્વતંત્ર વિચારધારાના માલિક બન્યા નથી.
             પંદરમી ઓગસ્ટ 2023નો   સ્વતંત્રતા પર્વ  સંકલ્પિત થવાનો દિવસ છે.સ્વતંત્રતા દિવસ એટલે દેશપ્રેમ, દેશભક્તિ અને દેશવિકાસને વૈશ્વિક આયામો પ્રાપ્ત કરવાનો અમૃતકુંભ છે.આઝાદીનાં અમૃતનાં ઓડકારની પરિતૃપ્તિ તો થઈ ગઈ હવે જે બદીઓમાં આપણે જકડાયેલા છીએ તેમાંથી મુક્ત થવાનો દિવસ છે.આપણા ક્રાંતિવીરો,દેશભક્તો જે તાકાતથી આઝાદી મેળવવા માટે લડ્યા તે તાકાતથી આપણે ગુલામ માનસિકતામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીશું તો આપણા ક્રાંતિવીરો,દેશભક્તોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી ગણાશે અને સ્વતંત્રતા દિવસની સાચી ઉજવણી કરી ગણાશે !

★ખાટું - મીઠું ★
" દેશપ્રેમ શીખવો હોય તો નાનકડી માછલી પાસે શીખો,જે પોતાના દેશ(પાણી) માટે તરફડી તરફડીને પોતાના પ્રાણ ગુમાવી દે છે ! "(અજ્ઞાત)

◆ આ લેખ ગમ્યો હોય તો નીચે જઈ આપ અમારા બ્લોગને ફોલો કરી શકશો અને આ લેખને નીચે શેર બટન પર ક્લિક કરી આપના મિત્રો સાથે શેર કરી શકશો.અને લેખ અંગેનો પ્રતિભાવ કોમેન્ટમાં જઈ આપવા વિનંતી.

1 comment:

THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI

Post Top Ad