રામજીભાભાએ પોતાની પત્નીની ગેરહાજરીમાં (પત્ની મૃત્યુ પામી હતી) બંને દીકરાને ભણાવી - ગણાવી ધંધે ચડાવી પરણાવી દીધા હતા. બંને દીકરાને પરણાવ્યા એટલે બંને દીકરાઓની વહુ તેમને સાથે રાખવા નહોતી માંગતી એટલે બંને દીકરાઓ જુદા જુદા રહેવા લાગ્યા. તેમના બંને દીકરા રામજીભાભાને રહેવા ગામમાં આવેલા જુનાં મકાનમાં મોકલી દે છે. રામજીભાભાની કરુણતા કેવી કે ત્યાં જુનાં મકાનમાં નથી લાઈટ કે નથી પંખો!! તેવી અંઘારપટ વાળી ઓરડીમાં રામજીભાભા રહે છે. પોતાના નાના દીકરાનો પુત્ર હિતેશ દરરોજ બપોરે અને સાંજે ટીફીન આપી જાય છે.
રામજીભાભા સવારે ઉઠી ચા પીધા વિના જ બાજુમાં આવેલા ગામનાં ચોરે જાય છે અને ત્યાં વડીલ મિત્રો સાથે બેસી જીવનની અંતિમ પળો પસાર કરે છે. બપોરે જ્યારે તેમનો પ્રપોત્ર હિતેષ ટીફીન આપવા આવે ત્યારે રોંઢો (ભોજન) કર્યા બાદ બપોરે ચાર વાગ્યા સુધી આરામ કરે છે અને પાછા ચાર વાગ્યાથી સાંજનું ટીફીન આવે ત્યાં સુધી પોતાનાં વડીલ મિત્રો સાથે જીવનનાં સુખ - દુ:ખની વાતો કરી જીવનની અંતિમ અવસ્થા વીતાવે છે. સાંજનું વાળું (ભોજન) કરી પોતાની વેદના હ્રદયમાં દબાવી પંખા વિના ભર ઉનાળે રાત વીતાવે છે.
આજે સવારે રામજીભાભા ગામનાં ચોરે આવ્યા નહીં એટલે ચોરા મિત્રોએ એકબીજાની સામે જોઈને કહ્યું 'આજે રામજી કેમ નથી આવ્યો?' ત્યાં જ રામજીભાભાનાં પાડોશીએ ચોરે સમાચાર આપ્યા કે રામજીભાભા કાયમ માટે સૂઈ ગયા છે! આ વાત સાંભળતાં જ ચોરાનાં વડીલોએ નિ:સાસો નાખ્યો 'હાય અમારા રામજીને શું થયું ?' પણ ટીફીન આપવા આવતો રામજીભાભાનો પ્રપોત્ર હિતેષ મનમાં બોલ્યો 'હાશ, રોજ ટીફીન આપવાની લપ મટી! '
No comments:
Post a Comment
THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI