ભારતીય લોકશાહીનો મહાન પર્વ એટલે 17 મી લોકસભાની ચૂંટણી.હાલ ચૂંટણીનાં ઢોલનગારાં ઢમ-ઢમ વાગી રહ્યા છે, ઉમેદવારો માઈક હાથમાં લઈને 'તમારો કિંમતી મત અમને આપજો ' ની બૂમો પાડી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં બેનરો, ફોટાઓ અને ધ્વજપતાકાઓ જોવા મળે છે. દેશવાસીઓ સવારમાં ચા પહેલાં ટી.વી અને સમાચારપત્રમાં રાજકારણમાં શું થયું ,ક્યાં ક્રિકેટર કે ફિલ્મસ્ટારે રાજકારણમાં એન્ટ્રી લીધી , ક્યાં નેતાઓએ પક્ષપલટું કર્યું ,કયાં ઉમેદવારે આચારસંહિતાનો ભંગ કર્યો વગેરે જાણવાની તાલાવેલી જોવા મળે છે.જે-તે વિસ્તારનાં ઉમેદવારો પોતાના મતવિસ્તારનાં મતદારોને રીઝવવાં નવાં-નવાં નુસખા અજમાવતા હોય છે-વચનો આપતાં હોય છે.
વ્હાલા મતદારો ...
આપણો ભારત દેશ એ વિશ્વની મોટી લોકશાહીમાનો એક ગણાય છે.લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું સુશાસન એટલે લોકશાહી. લોકશાહી માટે રાષ્ટ્રનો નાનામાં નાનો વ્યક્તિ મહત્વ ધરાવે છે.ભારત જેવા ભવ્ય અને ગૌરવશાળી તેમજ વિશ્વનાં ઇતિહાસમાં જે વિશ્વને પ્રેમ અને પ્રેરણાનાં પિયુષ પાઈ રહ્યું છે, જેનો આધ્યાત્મિક વારસો આજે હજારો વર્ષ પછી પણ અખંડ છે, જે ભૂમિ પર દસ-દસ અવતારોને જન્મવું પડ્યું, તે ભૂમિનાં આપણે સંતાન છીએ, તે દેશના આપણે વારસ છીએ અને આપણો ભવ્ય ભારત દેશ વિશ્વને હંમેશાં નવું આપતો રહે તેવું ઇચ્છતાં હો તો બટન દબાવતાં પહેલાં વિચારજો.
લોકસભાની ચૂંટણી એટલે રાષ્ટ્રની મોટી ચૂંટણી. આ ચૂંટણી દેશનું ભવિષ્ય-દેશના વિકાસની રૂપરેખા નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થાય છે ત્યારે રાષ્ટ્રનાં વિકાસ માટે મતદારો જ સર્વેસર્વા છે.મતદારો વિચારજાગૃતિ કેળવશે તો ચૂંટાયેલા ઉમેદવારો પણ સારાં ચૂંટાશે અને દેશ પ્રગતિની રાહ પર આગળ વધશે. 'મત' આપવો એ આપણું કર્તવ્ય-ફરજ છે. ભારતની ભવ્ય લોકશાહીનાં અંગ સમા અંદાજે નેવું કરોડ મતદાતાઓ ભારતની ભવ્યતા અને દિવ્યતા ટકાવી રાખશે અને આ મતદાતાઓ રચનાત્મક અને સર્જનાત્મક નેતાને પોતાનો કિંમતી મત આપી દેશને વિકાસશીલ રાષ્ટ્રની હરોળમાં રૂપાંતર કરશે. " આતમ વીંઝે પાંખ " પુસ્તકમાં ભારતનાં સ્વપ્નદ્રષ્ટા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ સાહેબે કહેલું કે "દેશમાં સર્જનાત્મક નેતાઓની સંખ્યા જેટલી વધશે ' વિકસિત ભારત'જેવાં સ્વપ્નની સફળતા એટલી જ વધારે સશક્ત અને સંભવિત બનશે અને આપણે બધાએ સાથે મળીને એક રાષ્ટ્ર સર્જવાનું છે, એવું રાષ્ટ્ર જે આ પૃથ્વી પર શ્રેષ્ઠ હોય અને જેના સો કરોડ ચહેરાઓ પર સ્મિત હોય." ડૉ. કલામસાહેબની આ વાત નેવું કરોડ મતદાતાઓએ વિચારવી જ રહી!!
આપણો મત આ દેશનો ઉદ્ધાર પણ કરી શકે છે અને આ જ આપણો મત આ દેશને અધોગતિમાં પણ નાખી શકે છે.બસ આપણે તો રામરાજ્ય જેવાં જ ચારિત્ર્યવાન,સુવિચારું, દીર્ઘદ્રષ્ટા, તેજસ્વી વિચારધારા અને પ્રજાપ્રેમી ઉમેદવારોને જ આપણા ' રાજનેતા ' બનાવી આપણા દેશનું સંચાલન સોપવું જોઈએ જેનાં હૃદયમાં દેશદાઝ, વિકાસની અગનજવાળા અને પ્રગતિનો પ્રકાશ હોય જે દેશની અસ્મિતા માટે ફના હોય.(આ લખનાર કોઈ રાજકીય પક્ષ-જ્ઞાતિને સમર્થન નથી કરતા, નીતિવાન,પ્રામાણિક અને નખશિખાંત લોકાભિમુખ ઉમેદવારોને કે જે પ્રજાવિકાસ-રાષ્ટ્રવિકાસ માટે પદ-પ્રતિષ્ઠા-પૈસાની પરવા ન કરે તેવા ઉમેદવારોને સમર્થન કરે છે.)
આપણો એક મત સાચા અને સારા ઉમેદવારને મળશે તો ભવ્ય ભારત સુશાસનનાં પંથે આગળ વધશે.Let's go thinking- આપણે આ લોકશાહીને બદલવાની ખેવના રાખવી પડશે,લોકશાહીનો મુખ્ય આધાર જો કોઈ હોય તો તે મતદાર છે. આજે આપણે આપણાથી કશું જ ન થાય તેમ વિચારી પગ પર પગ ચડાવી બેસી રહ્યા છીએ. ' હું પણ લોકશાહીનું અંગ છું ' આ ભાવના કેમ નહીં ? હા... હવે આપણો સમય આવી ગયો છે. આપણા દેશનાં, આપણા વિસ્તારનાં પ્રતિનિધિઓ આપણો કિંમતી મત લેવા માટે આપણને હાથ જોડશે, આપણને વચનો આપશે અને જરૂર પડે તો ખરીદી પણ લેશે અને આપણે કોઈ પણ જાતનો વિચાર કર્યો વિના ચૂંટી લઈએ છીએ.શું આપણો મત આપણે પૈસા પાસે ગિરવે મૂકી દેશને અધ:પતન તરફ લઈ જવો છે?શું આપણામાં સારા ઉમેદવારો નક્કી કરવાની નિર્ણયશક્તિ અને તર્કશક્તિ નથી ?શું લોકો આપણને વેચાતા લઈ લે એટલા આપણે સસ્તા છીએ ?ભારતીય મતદારો એવાં ઉમેદવારોને ચૂંટે છે જે ભારતીય સંસદની ગરિમા પણ જાળવી શકતા નથી એવાં સાંસદો શું ખાક આપણાં પ્રશ્નો રજૂ કરવાના ?? સત્તરમી લોકસભા ચૂંટણીમાં અંદાજે બે થી ત્રણ હજાર કરોડનો ખર્ચ થવાની શકયતા છે.અંતે તો આ બે થી ત્રણ હજાર કરોડ રૂપિયા ભારતીયોના પરસેવે પાડેલી કમાણીમાંથી જ વપરાવવાના છે ,આપણી કમાણીના આટલા રૂપિયા વપરાય અને આપણે એક સારા ઉમેદવારને ચૂંટી ન શકીએ તો આનાથી મોટી કમનસીબી બીજી કંઈ હોય શકે !એમાં જવાબદાર આપણે પોતે જ છીએ,આપણે જ આપણા પગ પર કુહાડો મારીએ છીએ.સ્વાર્થી, અયોગ્ય અને અનીતિવાન પ્રતિનિધિને ચૂંટીને આપણે આપણો વિકાસ જતો કરીએ છીએ અને પછી પાંચ વર્ષ માથે હાથ દઈને કાળા પાણીએ રડીએ છીએ !!ભારતનાં મોટા ભાગના સાંસદો પાંચ વર્ષમાં પોતાના મતક્ષેત્રનાં પચાસ ટકા મતવિસ્તારની મુલાકાત લઈ શકતાં નથી (અમુક અપવાદ પણ હોય છે)અને ચૂંટણી ટાણે દસ દિવસમાં મોટા ભાગનો મતવિસ્તાર ખૂંદી વળે છે આ કડવું છે પણ વરવી વાસ્તવિકતા છે જે ગમે કે ન ગમે સ્વીકારવી જ પડે.
રામરાજ્યમાં કુચારિત્ર્યવાનને કોઈ સ્થાન જ નહોતું. 'શ્રેષ્ઠ ચારિત્ર્યશીલ' જ રાજ્યાધિકારી બની શકે એવો નિયમ હતો.ઈક્ષવાકુ વંશમાં સગરનો પુત્ર અસંમજ નામ પ્રમાણે ગુણવાળો,તે રાજ્યાધિકારી હતો,લોકોએ ના પાડી તેના પિતાએ રાજા ન બનાવ્યો અને જંગલમાં કાઢી મૂક્યો. આવી રીતે ઇંગ્લેન્ડમાં પણ જેના સામ્રાજ્ય પર એક પણ વખત સૂરજ આથમ્યો ન હતો એવા એ રાજ્યનાં ભૂતપૂર્વ રાજા આઠમા એડવર્ડને પણ અમુક જ સ્ત્રીને પરણવાની જીદ ખાતર રાત્રે બાર વાગે પોતાનો સ્વદેશ ઈંગ્લેન્ડ છોડી કેનેડા જવું પડ્યું હતું અને જતી વખતે રાજસિંહાસનના છેલ્લા દર્શન કરવાની પણ રજા ન મળી!! પ્રાચીન સમયમાં રાજનેતાઓની નાની સરખી ભૂલ પણ માફીપાત્ર ન હતી અને અત્યારે....
જો આપણે 'લોકાભિમુખ લોકશાહી' નિર્માણ કરવી હશે તો ભારતીય મતદારોએ ક્ષણભર આંખો બંધ કરી-મૌન થઈ-અંતરાત્માના અવાજને પીછાણવો પડશે તો જ આ દેશમાં ' લોકાભિમુખ લોકશાહી' પ્રસ્થાપિત થશે.બટન દબાવતાં પહેલાં પાંચ વર્ષ પહેલાનું અને પાંચ વર્ષ પછીનું વિચારજો.આપણો મત સ્વાર્થી,અનીતિવાન ઉમેદવારને મળશે તો ભારત કુશાસનનાં પંથે જશે,વિનાશનાં માર્ગે વળશે અને મા ભારતી કદાચ આપણને માફ નહીં કરે ! 23 મી એપ્રિલે સવારે વહેલા ઉઠીને પ્રભુપ્રાર્થના કરી મનોમન વિચારજો કે મારે શું કરવું ? મારે કોને મત આપવો?વિચારજોને ,પછી જરૂર જજો મતદાન કેન્દ્ર પર જ્યાં રાષ્ટ્રની આન-બાન-શાનનો ફેંસલો થવાનો છે.23 મી એપ્રિલે EVM માં પડેલો આપણો મત દેશનું સ્વમાન બની રહેવાનો છે. જરૂર જજો મત આપવા...
તમારો કિંમતી મત આપવાનું ચૂકશો નહીં.
જય મતદાર, જય લોકશાહી
No comments:
Post a Comment
THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI