અહીંયા ક્લિક કરો અને પ્રાર્થના સભા બુક જુઓ.
'વેલેન્ટાઈન ડે ' આવવાની તૈયારી હોય ત્યાં માર્કેટમાં પોતાનાં પ્રિયપાત્રને ભેટ અથવા ગિફ્ટ આપવા માટે ભીડ જામી હોય !! કાર્ડસ ,લવલેટર્સ, નેકલેસ, ડ્રેસીઝ, સેલફોન, ઘડિયાળ વગેરે અનેક પ્રકારની ગિફ્ટ આપવા માટે ' યંગ જનરેશન ' હરખપદૂડું થયું હોય છે. આજની એકવીસમી સદીનું ' યંગીસ્તાન ' વેલેન્ટાઈન ડેનાં દિવસે પોતાનાં પ્રિયપાત્રનાં સાંનિધ્યમાં ' મૂવીઝ ' જોવું , ગાર્ડનમાં હાથમાં હાથ નાખી ટહેલવું- આટલું પૂરતું નથી તેમ 'ચુંબન ' કરવાનો અવસર ચૂકતા નથી ,પલ દો પલ જેવું થતું હોય છે . ઇન્ડિયન યંગીસ્તાનને આમાં રચ્યાપચ્યા રહેવું વધારે ગમે છે.ये हुई ना बात - આવી રોમેન્ટિક ક્ષણોમાં મલ્ટીપ્લેક્સ ,મોલ્સ , હોટેલ્સ ,ગાર્ડન વગેરે પ્રેમ વ્યક્ત કરવાનાં પ્રતિક સમાં સ્થળોએ ' લવર્સ એન્ડ કપલ્સ ' પ્રેમ વ્યક્ત કરતાં જોવા મળશે .
ખબર નહીં .... ' વેલેન્ટાઈન ડે ' આવતાં જ પ્રેમમાં ગાંડુ પૂર આવે છે. ' વેલેન્ટાઈન ડે ' નાં દિવસે પ્રેમીઓ એકબીજાને સાથે જીવવાનાં ,સાથે મરવાનાં કોલ આપતા હોય છે. ' વેલેન્ટાઈન ડે ' ગયો કે ' फिर वो ही दास्तान, वो ही कहानी ' - રૂટિન જિંદગી - ' હમ કહાઁ તુમ કહાઁ ' જેવું થતું હોય છે. બસ ...આપણે તો સ્ત્રીપાત્રને જ ' વેલેન્ટાઈન ડે ' નિમિત્તે પ્રેમ વ્યક્ત કરી હૃદયમાં રહેલા ભારને હળવો કરીએ છીએ. આજ આપણો ' વેલેન્ટાઈન ડે ' मेरे दोस्तों पिक्चर अभी बाकी है !
એક વાત તો સાચી છે કે પશ્ચિમી સંસ્કૃતિમાં એવું કંઈક છે જેનું આપણને ખેંચાણ છે. મોટા ભાગે ભારતીય યુવાનો ભારતીય સંસ્કૃતિનાં તહેવારોથી વિમુખ થતાં જાય છે. વેસ્ટર્ન કલચર્સનાં વિવિધ ડે માં ઇન્ડિયન યંગીસ્તાનને રસ છે. ( અહીંયા વેસ્ટર્ન ફેસ્ટિવલનો વિરોધ જરા પણ નથી દુનિયામાં સારું જે છે તેને ખુલ્લા મનથી સ્વીકારવું જ જોઈએ ) ધૂળેટીનાં તહેવારમાં કેટલાં યુવાનો પિચકારી લઈને રંગોની છોળ ઉડાડતા હોય છે ?? ગણ્યાગાંઠ્યા યુવાનો ધૂળેટીની મોજ માણતા હોય છે. આવી જ રીતે જન્માષ્ટમી વખતે પણ બનતું હોય છે. આપણને આપણા ભવ્ય વારસાનું જતન કરવામાં દિલચસ્પી નથી કે શું ? જન્માષ્ટમી વખતે રાત્રે બાર વાગ્યાનાં ટકોરા સુધી કેટલા યુવાનો કૃષ્ણ જન્મોત્સવમાં ઘેલા બનતાં હશે ? બાકી તો જન્માષ્ટમીનાં નામે મલ્ટીપ્લેક્સમાં જઈને ' મૂવીઝ ' જોવાનું નહીં ચૂકે !! સમજાતું નથી - WHY ? આપણે આપણા વારસાને કેમ વિસરવા માંગીએ છીએ ?
આપણા માનસપટ પર એમ જ છે કે ' વેલેન્ટાઈન ડે ' એટલે સ્ત્રીપાત્ર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ. ' વેલેન્ટાઈન ડે ' આવે કે પ્રેમીઓમાં પ્રેમનો ઉભરો આવે જેમ સોડામાં આવે.... અને આ ઉભરો પણ ક્ષણિક. પ્રેમ એ રમત નથી કે નથી નાટક જેને ભજવવાનું હોય. પ્રેમ એ આત્માનું મધુર સંગીત છે જેને માણવાનું હોય , જે હૃદયનાં ધબકારને સતત ધબકતા રાખે છે. પ્રેમમાં પડવું સહેલું પણ નથી અને પડ્યા પછી બહાર નીકળવું પણ સહેલું નથી - બટ - આપણે તો પ્રેમને શું માનીએ છીએ ખબર નહીં ? ગાર્ડન, મલ્ટીપ્લેક્સ કે કોલેજમાં નજર મળી ,ટી-કેન્ટીનમાં મુલાકાત થઈ કે તરત પ્રેમ થયો ! શું આને પ્રેમ કહેવાય ? માત્રને માત્ર પ્રેમનાં નામે દંભ જ . વરિષ્ઠ લેખક પ્રેમચંદ કહેતાં કે ' પ્રેમ અને વાસનામાં એટલું જ અંતર છે જેટલું કંચન અને કાચમાં છે .' આજનું યંગીસ્તાન મોસ્ટ ઓફ પ્રેમનાં બહાને ફસાવીને પોતાની વાસના સંતોષતા હોય છે અને કંઈક નિર્દોષ જિંદગીઓ બરબાદ કરતા હોય છે.
ડીઅર રીડરો અબ આગે બઢતે હૈ 14 મી ફેબ્રુઆરી એટલે સ્ત્રીપાત્ર પ્રત્યે પ્રેમ અભિવ્યક્ત કરવાનો દિવસ આ વિચાર આપણા મગજમાં બરાબર ફિટ થઈ ગયો છે. માત્રને માત્ર પોતાનાં પ્રિયપાત્રને વિવિધ ગિફ્ટ આપી પ્રેમ વ્યક્ત કરી ' વેલેન્ટાઈન ડે ' ની ઉજવણી કરીશું. કદાચ... પોતાનાં પ્રિયપાત્ર સાથે ઝઘડો થયો હશે તો પણ તેને ' વેલેન્ટાઈન ડે ' નાં દિવસે પોતાની ભૂલ ગણી પ્રિયપાત્રને મનાવી લેશે આ છે સંકુચિત માનસવાળાનો ' વેલેન્ટાઈન ડે ' .
હા... જેને પ્રેમ કરવો જ છે તેને પ્રેમ કરવાવાળા મળી જ રહેવાના. એક નવી વિચારધારા તરફ નજર કરીએ, ' વેલેન્ટાઈન ડે ' ને વિશ્વપ્રેમની ઉચ્ચ ભાવના સાથે જોડીએ ! ગાંધીજીનાં વિશ્વપ્રેમનાં વિચારમાં ડોકિયું કરીએ. ગાંધીજી ઉવાચ : ' આપણા પ્રેમની પરિધી આપણે વધારવી જોઈએ, તેમાં ગામ આવી જાય, ગામથી નગર ,નગરથી પ્રાંત આમ પ્રેમનો વિસ્તાર સંપૂર્ણ વિશ્વ સુધી હોવો જોઈએ ' . ગાંધીજીનો આ વિચાર સમજીએ તો ' વેલેન્ટાઈન ડે ' નાં દિવસે માત્ર સ્ત્રી પ્રિયપાત્રને જ નહીં પણ સમગ્ર માનવજાત પ્રત્યે પ્રેમની દ્રષ્ટિ કેળવવી પડશે. રામનાથ સુમન કહેતાં કે ' આ પ્રેમનું જીવનમાં આહ્વાન કરો , આમંત્રણ આપો, આ પ્રેમનો પોકાર સાંભળો. આ માટે તમારે ક્યાંય દૂર જવું નહીં પડે. પ્રેમ સ્વયં તમને બોલાવી રહ્યો છે. સેંકડો સંકેતમાં સેંકડો પોકારમાં કેવળ જોવાની, સાંભળવાની જરૂર છે. ' 14 મી ફેબ્રુઆરી એ માત્ર એક સંકલ્પ : ' વેલેન્ટાઈન ડે ' નાં દિવસે એકપણ વ્યક્તિ સાથે તુમાખીભર્યું આચરણ અને વ્યવહાર નહીં જ માત્રને માત્ર પ્રેમની પરાકાષ્ઠા જ ! માત્ર પ્રિય પાત્ર જ નહીં મમ્મી-પપ્પા, ભાઈ-બહેન, પરિવાર, મિત્રવર્તુળ, ગામ, સમાજ વગેરે બધે જ ભરપૂર પ્રેમરૂપી પાણીનો જ છટકાવ પછી જુઓ કેવી હરિયાળી છવાઈ જાય છે આપણા જીવનરૂપી બાગમાં ! આંનદો... આંનદોની અદ્દભૂત અનિભૂતિનો આવિષ્કાર થશે જ. બસ આપણે તો એલાર્મ જ એવું સેટ કરેલું છે જેમાંથી ' વેલેન્ટાઈન ડે ' નાં દિવસે જ પ્રેમ ઉત્તપન્ન થાય અને પ્રેમનો આવિષ્કાર થાય ! શું બીજા દિવસોમાં પ્રેમ ન થાય ? શું પ્રેમ માત્ર સ્ત્રી પ્રિયપાત્રને જ થાય ? આ દિવસે પોતાનાં પરિવાર, મિત્રવર્તુળને પ્રેમ ન થાય ? જો આ જ ' વેલેન્ટાઈન ડે ' હોય તો આવો ' વેલેન્ટાઈન ડે ' વેલેન્ટાઈન ડે નહીં 'વેઇન ડે ' (નિરર્થક દિવસ ) છે.
BUT WE ARE ' વેલેન્ટાઈન ડે ' નાં દિવસે મા-બાપ,ભાઈ-બહેન ,પરિવાર સાથે પ્રેમની અભિવ્યક્તિ કરવાને બદલે આપણાં પ્રિયપાત્ર સાથે સવારથી જતાં રહીએ અને જયારે આપણા માતાપિતા સૂઈ જાય છે ત્યારે રાતનાં બારનાં ટકોરે મલ્ટીપ્લેક્સમાંથી એકાદ મૂવીઝ જોઈને આવીએ છીએ ! શું આપણાં માતાપિતાનો હક નથી કે તેઓ પોતાનાં સંતાનોનો પ્રેમ મેળવે ? પણ આપણે તો પરિવાર ,દોસ્તોને છોડીને કોઈકનાં હાથમાં હાથ મૂકી ચાલી નિકળવી છીએ.' વેલેન્ટાઈન ડે ' નાં નામે પોતાના પરિવારજનો બાકી રહે અને બીજાને પ્રેમ આપીએ આ તો વળી કેવો ' વેલેન્ટાઈન ડે ' ?! ' ધીસ ઇઝ રોંગ -ઈટ ઇઝ નોટ વેલેન્ટાઈન ડે બટ વેઇન ડે ' ગણાશે.
ચાલો સાથે મળી સંકલ્પિત થઈ ' વેલેન્ટાઈન ડે ' ને પોતાનાં પ્રિયપાત્ર સાથે જ પ્રેમ કરવાનો 'ડે' નહીં પણ સમગ્ર માનવજાત પ્રત્યે પ્રેમ કેળવી ' વેલેન્ટાઈન ડે ' ને સંકુચિત ન રહેવા દેતા વૈશ્વિક બનાવી ' યુનિવર્સલ વેલેન્ટાઈન ડે ' બનાવીએ. શક્ય છે કે ધાર્મિક સંગઠનો આવા ' યુનિવર્સલ વેલેન્ટાઈન ડે ' નો વિરોધ નહીં જ કરે ! 'વેલેન્ટાઈન ડે 'ને માત્ર સ્ત્રી પ્રિયપાત્ર સાથે ન જોડતાં સમગ્ર માનવજાત માટે ઉદ્દાત અને ઉચ્ચપ્રેમની ભાવના આત્મસાત કરી 'वसुधैव कुटुम्बकम ' ની વિચારધારા સાથે જોડીશું તો કદાચ 'વેલેન્ટાઈન સંત 'ના આત્માને પરિતૃપ્તિનો ઓડકાર આવશે જ ...કિરીટ ગોસ્વામીની પંક્તિથી વિરામ લઈએ ,
" ફક્ત દિલની સફાઈ માંગે છે,
પ્રેમ ક્યાં પંડિતાઈ માંગે છે ? "
★ ખાટું - મીઠું ★
- જે આપણને ચાહે છે તેનો પ્રેમ મેળવવો એમાં જ માત્ર ડહાપણ નથી ,પરંતું જે આપણને નથી ચાહતા તેનો પ્રેમ પ્રાપ્ત કરવો એમાં ડહાપણ રહેલું છે.
No comments:
Post a Comment
THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI