માણસની ઓળખ- કપડાં,શરીર કે વિચાર? (કપિલ સતાણી ) - KAPIL SATANI

textgram_1535992147

KAPIL SATANI BLOG IS THINKING FULL ARTICLES, PUBLISH BOOK, LITERATURE AND EDUCATIONAL INFORMATION

Post Top Ad

Ads

Wednesday, June 2, 2021

માણસની ઓળખ- કપડાં,શરીર કે વિચાર? (કપિલ સતાણી )

                    એક દિવસ હું સુરેન્દ્રનગરથી બોટાદ ટ્રેનમાં આવી રહ્યો હતો . જેમ ટ્રેનની ઝડપ વધી તેમ મારા વિચારોની પણ ઝડપ વધી; અને હું વિચારોમાં ખોવાઈ ગયો . વઢવાણ આવતાં જ ટ્રેનને બ્રેક લાગી અને મારા મનને પણ બ્રેક લાગી . મારી જમણી તરફનાં બાકડામાં ( પાટલી પર ) એક એજ્યુકેટેડ  યુગલ હાથમાં લેપટોપ લઈને બેઠું હતું. વઢવાણથી એક કલરકામ કરતો તેમજ અસ્ત વ્યસ્ત અને કલરવાળાં કપડાં ધારણ કરેલ એક માણસ પેલા શિક્ષિત યુગલની સામે જઈ બેઠો . પેલા કલર કરવાવાળા માણસે હાથમાનું ટીફીન બાકડા નીચે મૂકી તે સૂઈ ગયો . તો બીજી તરફ સામે બેઠેલું 'વેલ એજ્યુકેટેડ યુગલ' તે માણસની સામે જોઈ તેની ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યું . અને પેલી યુવતીએ તો નાક આડે રૂમાલ પણ બાંધી દીધો . આ શિક્ષિત યુગલને જોઈ ડૉ .અબ્દુલ કલામ સાહેબની વાત યાદ આવી . કલામ સાહેબ કહેતા કે ' ભણેલો માણસ જો જીવનમાં મૂલ્યો ઉમરેવાનું બંધ કરી દેશે તો તે અભણ બની જશે.'

Photo_1622617442029
                        માણસનું સાચું મૂલ્ય તેને પહેરેલાં કપડાં કે તેનું દૂબળું પાતળું શરીર નથી પણ તેના વિચારો છે. વિચાર એ માણસનું 'આભૂષણ' છે . વિચાર જ માણસની સાચી ઓળખ છે . હરકિસન મહેતા કહેતા : 'સારાં કપડાં પહેરવાથી માણસનું ચારિત્ર્ય સુધરી જતું નથી!'  અને આમ પણ પોતાનાં વ્યવસાય પ્રમાણે પહેરવેશ હોય જ ! મજૂરી કામે જતો માણસ સુટ - બુટ - ટાઈ પહેરીને જાય તો તે હાસ્યાસ્પદ લાગે તેમ કોઈ કંપનીનો એમ.ડી. ફાટેલા - તૂટેલાં વસ્ત્રો પહેરીને કંપનીમાં જાય તે પણ તેટલુ જ હાસ્યાસ્પદ લાગે ! સુકલકડી શરીરવાળાં અને અંગ ઉપર બે જ વસ્ત્રો ધારણ કરનાર ગાંધી ન જન્મ્યા હોત તો આજે પણ આપણી દશા શું હોત ખબર નહીં ?  એ સુકલકડી શરીરની તાકાત નહોતી , એ સત્ય અને અહિંસારૂપી વિચારોની તાકાત હતી . વિચાર એક 'અણુબોમ્બ' છે જે જબરજસ્ત વિસ્ફોટ કરી સમાજમાં રાષ્ટ્રમાં ક્રાંતિનાં નવનિર્માણ કરી શકે છે . એકવીસમી સદી વસમી સદી છે . માણસ માણસને મારીને જીવે છે . એક ચિંતકે  કહ્યું છે , 'મકાનો તોડીને મંદિરો બનાવે છે અહીં માણસને મારીને ભગવાનને જીવાડે છે.'

                       વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે કદમ મિલાવતાં મિલાવતાં ઘણું બધું ગુમાવતો જાય છે તે ચોક્કસ છે . નરા  સ્વાર્થનાં સંબંધ અને માણસને તેનાં બાહ્ય દેખાવ અને પહેરવેશનાં આધારે ઓળખવાની બુઠ્ઠી  માનસિકતા રાષ્ટ્ર માટે ઘાતક પૂરવાર થાય તો નવાઈ નહી ! ગમે તેટલી શોધો થાય પણ માણસ માણસ તરીકે જીવવામાં નિષ્ફળ રહે તો તે શોધો નકામી જ છે . એક વિચારકે  કહ્યું છે . ' માણસ પંખીની જેમ ઉડવા માંગે છે, માછલીની જેમ તરવા માંગે છે પણ માણસ માણસની જેમ જીવવા માંગતો નથી!'

                    બહારથી વ્હાઈટ કોલરવાળા દેખાતાં માણસોમાં આંતરિક મેલાપણું હોય છે જ્યારે ફાટેલાં - તૂટેલાં કપડાંવાળા માણસો ભોળા હોય છે . આજે માણસ માણસની ઓળખ કપડાંથી કરે છે . કપડાં , શરીર એ 'નાશવંત' છે જ્યારે વિચાર 'જીવંત' છે . વિચાર માણસનો પ્રાણવાયુ છે અને માણસને જીવંત રાખવા માટે કાફી છે . આજે ગાંધીજી હયાત નથી પરંતુ તેનો વિચાર જીવંત છે તે સનાતન વાત છે . 

                       વર્ષો પહેલાં એક ગ્રીક ચિંતક એથેન્સ નગરની સડક પર ભરબપોરે હાથમાં પેટાવેલું ફાનસ લઈ જઈ રહ્યા હતા . કોઈએ કૂતુહલતાથી પૂછ્યું :  " મહાશય આ સૂર્યપ્રકાશમાં ફાનસ લઈને શું શોધી રહ્યા છો ? ક્યાંક પાગલ તો નથી થઈ ગયા ને ?" ત્યારે ગ્રીક ચિંતકે જવાબ આપ્યો હતો કે " હું માણસને શોધી રહ્યો છું." જે 'દિ યુરોપમાં સંસ્કૃતિ , સભ્યતા કંઈ જ નહોતું તે'દિ ભારત વિશ્વને રસ્તો દેખાડી રહ્યું હતું . એ જ ભારત આજે માનવતામાં પ્રતિદિન પાછું ઘકેલાતું જાય છે . 

 'શોધ ઈન્સાનની' પુસ્તકમાં તેના લેખક ડૉ . સત્યપાલસિંહ લખે છે કે 

'મનનું મેલાપણું અને બહારથી સજજનતા ,

 પૈસાનું અધિકપણુ અને વિષયોની અલગતા ,

 આ ચમકમાં , આ દમકમાં , પ્રગતિની ભાગદોડમાં 

રીસાઈને તડપી તડપીને તું ક્યાં છૂપાયો છે ?

 ભીતર શોધો , બહાર ગોતો , આ તો દુનિયા ન્યારી છે, ઈન્સાનિયત ખોઈને પણ , એ ઈન્સાન શોધ તારી ચાલુ છે.'

                         માણસ માણસને ઓળખવામાં , માનવતાને ઓળખવામાં નિષ્ફળ રહેશે તો ખબર નહીં માણસ નામની જાતિનું  શું થશે ? ! 


હોટ પોઈન્ટ 

'હું સ્વભાવે ચુસ્ત કોમવાદી માણસ છું . જ્યારે પણ તક મળે ત્યારે હું મારી કોમનું આંખ મીંચીને તાણવા લાગું છું . માણસ નામની કોમમાં મારો જન્મ થયો છે તેથી હું માણસજાતનું હિત જોખમાય ત્યાં ઝનૂનપૂર્વક અવાજ ઉઠાવું છું . માણસથી ચડિયાતા સત્યમાં મને ઝાઝો રસ નથી . માનવ ધર્મથી પર એવા કોઈ ધર્મમાં મને શ્રદ્ધા નથી . હું કટ્ટરપંથી છું , કારણકે હું કટ્ટર માનવતાવાદી છું .' - ગુણવંત શાહ 


1 comment:

THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI

Post Top Ad